અલાહાબાદ હાઈ કોર્ટે કહ્યું કે વયસ્ક વ્યક્તિ પોતાના નિર્ણયો…..
પ્રયાગરાજ: અલાહાબાદ હાઈ કોર્ટે ફરી એકવાર કહ્યું હતું કે છોકરો કે છોકરી પુખ્તવયના થાય ત્યારે તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા કે તેમની ગમતી વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે અને તેના માતાપિતા સહિત કોઈપણ વ્યક્તિએ તેની પસંદગીની સ્વતંત્રતાના અધિકારમાં દખલ કરી શકે નહીં.
અત્યારની આ 21મી સદીમાં બાળકોને જ્યારે વોટ આપવાનો અધિકાર મળે ત્યારે તેમને એમ થાય કે અમે મોટા થઇ ગયા એટલે હવે તમામ નિર્ણયો અમે જાતે લઇ શકીએ છીએ ત્યારે માતા પિતાને થાય કે અમે આખી જિંદગી ખર્ચીને મોટા કર્યા એટલે બાળકો પર અમારો હક હંમેશા રહેશે. તેમાં પણ ખાસ કરીને એક પુખ્ત વયના પુરુષ કે સ્ત્રીએ કોઇને પણ પસંદ કરવાનો હક કેટલો એ એક મોટો પ્રશ્ર્ન છે.
અલાહાબાદ હાઇ કોર્ટમાં જસ્ટિસ સુરેન્દ્ર સિંહે મંગળવારે અલગ અલગ ધર્મના બે વ્યક્તિઓ કે જે એકસાથે રહે છે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી સંયુક્ત પિટિશનનો નિકાલ કરતાં નિર્દેશ આપ્યો હતો કે જો અરજદારોના શાંતિપૂર્ણ જીવનમાં કોઈ ખલેલ પહોંચે તો તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તે બંને વયસ્ક હોવાના કારણે પોતાના નિર્ણયો જોતે લેવા સક્ષમ છે.
હાલની રિટ પિટિશનમાં મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાએ કોર્ટને વિનંતી કરી હતી કે તેમના પરિવારના સભ્યો તેમના શાંતિપૂર્ણ જીવનમાં દખલ ન કરે. આ ઉપરાંત અરજદારોને પોલીસ સુરક્ષા આપવાની પણ વિનંતી કરવામાં આવી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે બંને અરજદારો પુખ્ત વયના છે અને સ્વેચ્છાએ સાથે રહે છે.
જો કે છોકરીની માતા અને તેના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ છે અને છોકરીની માતા અને અન્ય પરિવારના સભ્યો અરજદારોને હેરાન કરે છે અને તેમને ધમકી પણ આપી છે.