વારાણસી એરપોર્ટનો નકશો બદલી દઇશ, એક કોલ અને પોલીસ દોડતી થઇ ગઇ..
વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક વ્યક્તિએ ફોન પર અધિકારીને વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ફોન આવતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ ફોન આવતા જ સીઆઈએસએફએ તરત જ એરપોર્ટના દરેક ખૂણે ખૂણે સઘન ચેકિંગ શરૂ કર્યું અને એરપોર્ટ ઓથોરિટીએ ધમકીભર્યા કોલ અંગે સંબંધિત ફુલપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરી.
ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું કે તે સાંજ સુધીમાં વારાણસી એરપોર્ટનો નકશો બદલી નાખીશ. ધમકી આપ્યા બાદ આરોપીએ તરત જ ફોન કાપી નાખ્યો હતો. આ કોલ બાદ લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું હતું અને CISFએ તેનું પેટ્રોલિંગ વધારી દીધું હતું. ધમકી મળ્યા બાદ અધિકારીઓએ કોલ ટ્રેસ કર્યો હતો જેમાં વારાણસીના ફૂલપુર પોલીસ સ્ટેશનના ભદોહીના ભગવાનપુર ચોથાર વિસ્તારમાં આરોપીનું લોકેશન મળી આવ્યું હતું. જે ઘરમાંથી ફોન આવ્યો હતો તે ઘર અશોક પ્રજાપતિનું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે અશોક પ્રજાપતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 504 હેઠળ કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધો છે અને તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.
ફુલપુર પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યોએ જણાવ્યું કે અશોક માનસિક રીતે બીમાર છે અને એપ્રિલ 2023થી મનોચિકિત્સકની સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન પણ અશોકે હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારપછી પરિવારના સભ્યો તેને બાંધીને રાખે છે, જોકે અશોકના પિતા પોલીસને કોઇ કારયવાહી ના કરવા માટે વિનંતી કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આવો જ એક કોલ માર્ચ મહિનામાં હોળી દરમિયાન આવ્યો હતો અને તો પણ આ જ રીતે નકલી કોલ હતો.