મણિપુર હિંસા: સીબીઆઈની ચાર્જશીટમાં બિષ્ણુપુર શસ્ત્રાગારની લૂંટના કેસમાં સાત સામે ગુનો
નવી દિલ્હી: મણિપુરમાં ગયા વર્ષે થયેલી જાતીય હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો અને દારૂગોળાની લૂંટ ચલાવવાના કેસમાં સીબીઆઈએ પોતાના આરોપનામામાં સાત લોકો પર આરોપ લગાવ્યા છે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ તાજેતરમાં જ આસામના ગૌહાતીમાં કામરૂપ (મેટ્રો)ના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.
આરોપનામામાં લૈશરામ પ્રેમ સિંહ, ખુમુકચમ ધીરેન ઉર્ફે થપકપા, મોઈરંગથેમ આનંદ સિંહ, અથોકપમ કાજિત ઉર્ફે કિશોરજીત, લૌકરાકપમ માઈકલ મંગાંગચા ઉર્ફે માઈકલ, કોથૌજમ રોમોજિત મેઈતી ઉર્ફે રોમોજિત અને કીશમ જોન્સન ઉર્ફે જોન્સનને આરોપી બનાવવામાં આવ્યા છે.
ગયા વર્ષની ત્રીજી ઓગસ્ટના દિવસે એક ટોળાંએ બિષ્ણુપુરના નારાનસીનામાં સેકેન્ડ ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના મુખ્યાલયના બે ઓરડામાંથી 30 શસ્ત્રો અને 19,800 રાઉન્ડ દારૂગોળાની લૂંટ ચલાવી હતી.
અલગ અલગ કેલિબરની 9000 બૂલેટ, એક એકે શ્રેણીની અસોલ્ટ રાઈફલ, ત્રણ ‘ઘાતક’ રાઈફલ, 195 સેલ્ફ લોડિંગ રાઈફલ, પાંચ એમપી-5 બંદૂકો, 16.9 એમએમની પિસ્તોલ, 25 બૂલેટપ્રુફ જેકેટ, 21 કાર્બાઈન અને 124 હાથ ગોળાની લૂંટ કરાયેલી સામગ્રીમાં સમાવેશ થતો હતો.
ચૂરાચાંદપૂર તરફ જવા માર્ચ કરવા માટે એક ટોળું જમા થઈ ગયું હતું જ્યાં આદિવાસીઓ ત્રીજી મેના રોજ મણિપુરમાં ફાટી નીકળેલી જાતીય હિંસામાં માર્યા ગયેલા આદિવાસી સમાજના લોકોની સામુહિક દફનવિધિ કરવા માટેની યોજના બનાવી રહ્યા હતા.
અનુસૂચિત જનજાતી (એસટી)નો દરજ્જો આપવાની મૈતેઈ સમાજની માગણીના વિરોધમાં પહાડી જિલ્લામાં આયોજિત એકતા માર્ચ પછી ભડકેલી જાતીય હિંસામાં 219 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો જખમી થયા છે. મણિપુરની વસ્તીમાં મૈતેઈ સમાજના લોકોનું પ્રમાણ લગભગ 53 ટકા જેટલું છે અને તેઓ મોટા ભાગે ઈમ્ફાલના ડુંગરાળ પ્રદેશમાં રહે છે. આદિવાસી નાગા અને કુકી લોકોનું પ્રમાણ 40 ટકાથી થોડું વધારે છે અને તેઓ હિલ ડિસ્ટ્રિક્ટમાં રહે છે. (પીટીઆઈ)