ગોધરામાંથી ગુમ થયેલી મહિલા 11 વર્ષ બાદ કોલકાતામાં કોમામાંથી જાગી, આ રીતે પરિવારનો સંપર્ક થયો
ગોધરા: તાજેતરમાં કોલકાતામાં કોઈ ફિલ્મના પ્લોટ જેવી ઘટના બની હતી. પંચમહાલ જીલ્લાનાના ગોધરા તાલુકાના ભમૈયા ગામની મહિલા 11 વર્ષ પહેલા ગુમ થઇ ગઈ હતી, પરિવારે પણ તેના મળવાની આશા ગુમાવી દીધી હતી, એવામાં થોડા દિવસો આગાઉ મહિલા કોલકાતામાં હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષો સુધી કોમામાં રહ્યા બાદ મહિલા ભાનમાં આવી હતી પરિવાર અંગે માહિતી આપી હતી.
એક અખબારી અહેવાલ મુજબ મહિલાનું નામ ગીતા બારિયા છે. ગીતા 2013 માં ગુમ થઈ ગઈ હતી, પરિવારે તેના મળવાની આશા ઘણા વર્ષો પહેલા જ છોડી દીધી હતી, એવામાં કોલકાતાની એક સંસ્થામાંથી ફોન આવ્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસ ગીતાને ભમૈયા ગામમાં પરત લાવવા માટે કોલકાતા જતા પરિવારને મદદ કરવા માટે આગળ આવી છે. પોલીસ અધીઅકરીએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પોલીસના કર્મચારીઓ સાથે પરિવાર ગુરુવારે ટ્રેનમાં કોલકાતા જશે. જિલ્લા વહીવટીતંત્રએ માનવતાના ધોરણે મુસાફરીની વ્યવસ્થા કરી આપી છે. ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ગીતા બારિયાને તેના ઘરે પરત લાવવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીના રોજ કોલકાતાની પાવલોવ ઇન્સ્ટિટ્યૂટના એક ડૉક્ટરે પંચમહાલ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો અને ગીતાનો અંગે માહિતી આપી હતી, ગીતા થોડા સમય પહેલા જ કોમામાંથી જાગી હતી અને તેના પરિવારની વિગતો સંસ્થાને આપી હતી.
પંચમહાલના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હોસ્પિટલે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ગામ અને પરિવારની વિગતોની ચકાસણી કરી. અમે પરિવારનો પતો મેળવ્યો ત્યાર બાદ ડૉક્ટરોએ ગીતાની તેના પરિવારજનો સાથે વીડિયો કૉલ મારફતે વાત કરાવી હતી. પરિવારજનોએ ગીતાની ઓળખ કરી હતી…”
પોલીસે જણાવ્યું કે “ગીતા વર્ષ 2013 માં ગુમ થઈ ગઈ હતી, એ કોલકાતા કેવી રીતે આવી અને આ વર્ષો દરમિયાન શું થયું તે અંગે હજુ જાણકારી મળી શકી નથી.”
ગીતાના ત્રણ બાળકો હિતેશ, દિવ્યા અને વિપુલ હાલ કિશોર વયના છે અને તેમની માતા વિષે વધુ યાદ નથી. પરિવારજનોએ જણવ્યું કે, “પરિવારે બે વર્ષથી તેની શોધ કરી પરંતુ તે ન મળી, તેના પતિએ વર્ષો સુધી તેને શોધવાનું ચાલુ રાખ્યું, અંતે આશા ગુમાવી. કમનસીબે, થોડા વર્ષો પહેલા તેના પતિનું અવસાન થયું. બાળકોએ શાળા છોડી દીધી, કારણ કે પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે કોઈ ન હતું. સંબંધીઓએ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરી,પરંતુ તેમની શાળાની ફી ભરવા માટે કોઈ નહોતું.”
ગત રવિવારે જ્યારે ગીતાએ તેના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી ત્યારે તેણે તેની બહેનોને ઓળખી લીધી. તેની બહેને કહ્યું, “તેણે મને ઓળખી લીધી. બાળકો મોટા થઈ ગયા છે, એ જાણીએ અચાનક સુન્ન થઈ ગઈ હતી …”