બીકેસીથી વરલી વચ્ચેની મેટ્રો સર્વિસ શરુ થવાની આ ડેડલાઈન જાણી લો!
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ શહેરના બે સૌથી જાણીતા રિયલ એસ્ટેટ અને બિઝનેસ હબ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વરલી વચ્ચેની મેટ્રો સેવાઓ ૨૦૨૪ના બીજા ભાગમાં કાર્યરત થવાની સંભાવના છે.
અગાઉની યોજના આરે કોલોનીથી બીકેસી સુધીનો પ્રથમ તબક્કો મેના અંતમાં ખુલ્લો મુકાયા બાદ, બીકેસી થી કફ પરેડ વચ્ચેનો મેટ્રો-૩નો બીજો તબક્કો એક જ સમયે શરુ કરવાની હતી. પરંતુ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (એમએમઆરસી) નિર્ણય લીધો છે કે બીકેસી થી વરલી વચ્ચે ૯.૬૩ કિમીના પટ પર સેવાઓ વહેલી શરૂ કરવામાં આવશે.
ગિરગાંવ અને કાલબાદેવી સ્ટેશન પર કામ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ બીકેસી ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવના સહભાગીઓને જણાવ્યું હતું.
ભિડેએ જણાવ્યું હતું કે આરે અને બીકેસી સ્ટેશનો વચ્ચે મેટ્રો-૩ના પ્રથમ તબક્કાનું ૯૬ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ૪ ટકા આરે ડેપો અને મેટ્રો સ્ટેશનની અંદરના નાના કામો થોડા દિવસોમાં પૂર્ણ થશે.
કામગીરી શરૂ કરતા પહેલા એમએમઆરસીના આંતરિક સલામતી એકમ, મેટ્રો રેલ સલામતી કમિશનર (સીએમઆરએસ), સંશોધન, ડિઝાઇન અને સલામતી સંસ્થા (આરડીએસઓ) અને અન્ય સંબંધિત સંસ્થાઓ પાસેથી સલામતી પ્રમાણપત્ર/ક્લીયરન્સ હોવું આવશ્યક છે. જોકે, એમએમઆરસીનું ધ્યેય ૨૦૨૪ના અંત સુધીમાં મેટ્રો-૩ના સમગ્ર ૩૩.૫ કિ.મી. કોરિડોરને ખુલ્લો મુકવાનો છે.