વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ, આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર
અમદાવાદ: વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દુર્ઘટનામાં 12 નિર્દોષ ભૂલકાં અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ કરૂણાંતિકાની યોગ્ય તપાસ થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે એ માટે ગુજરાત હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની અરજી થઇ હતી, આજે તે અંગેની પ્રક્રિયાઓ પતાવી હાઇ કોર્ટે સુઓમોટો દાખલ કરી દીધી છે, અને તે સાથે જ રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ પણ આપ્યો છે.
ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટ સામે અરજી કરી હતી કે સુઓમોટો અપીલ સ્વીકારવામાં આવે. વિવિધ સમાચાર સંસ્થાઓના અહેવાલોને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. હવે ગૃહ વિભાગના સેક્રેટરીનો એક્શન ટેકન રિપોર્ટ આવી જાય તેના પછી ગેજેટેડ ઓફિસર એફિડેવિટ ફાઇલ કરશે. તે પછી 29 જાન્યુઆરીએ પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગત 18 જાન્યુઆરીએ વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના અંદાજે 82 જેટલા બાળકો તથા શિક્ષકોએ પ્રવાસ માટે હરણી તળાવની મુલાકાત લઇ ત્યાં બોટિંગ માટે બેઠા હતા, તે દરમિયાન ઓચિંતા જ બોટ ઉંધી વળી જતા 12 માસૂમ ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.
આ દુર્ઘટના બદલ પોલીસે 18 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી 6 જણને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ 6 આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.