Manipur violence: બળવાખોરોએ પોલીસ બેરેક પર કર્યું ફાયરિંગ, ચાર પોલીસકર્મી ઘાયલ
ઈમ્ફાલઃ મણિપુરમાં ફરીથી હિંસા ભડકી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પહાડીઓમાં છુપાયેલા બળવાખોરોએ રાત્રે લગભગ અડધા કલાક સુધી બેરેક પર ગોળીબાર કર્યો. હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મણિપુરના સરહદી શહેર મોરેહમાં શનિવારે (30 ડિસેમ્બર) રાત્રે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન હુમલામાં સામેલ હુમલાખોરોએ રોકેટ કંટ્રોલ ગ્રેનેડ (RPG) પણ છોડ્યા હતા. જોકે ઘાયલ થયેલા સૈનિકોને વધારે ઈજા ન પહોંચી હોવાની ખબર પણ બહાર આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ એક દિવસમાં બે વખત હુમલો કર્યો. પ્રથમ, ઇમ્ફાલ-મોરેહ હાઇવે પર મુસાફરી કરી રહેલા મણિપુર કમાન્ડોના અન્ય યુનિટ પર દિવસ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. થોડા કલાકો બાદ મોરેહમાંથી કમાન્ડો પર હુમલાની માહિતી મળી હતી.
શનિવારે બપોરે લગભગ 3.45 વાગ્યે કાફલા પર ભારે ગોળીબાર થતાં એક કમાન્ડો ઘાયલ થયો હતો. આ પછી, મધ્યરાત્રિએ પોલીસની બાઇક પર બીજો મોટો હુમલો થયો, જેના માટે રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો.
અધિકારીના જણાવ્યા અુનસાર બપોરના સમયે બનેલી ઘટના બાદ સ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ મધ્યરાત્રિની આસપાસ આતંકવાદીઓએ બેરેકની અંદર સૂઈ રહેલા કમાન્ડો પર હુમલો કરવા માટે આરપીજી ફાયરિંગ કર્યું અને ભારે ગોળીબાર કર્યો. જેમાં ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી. વિસ્ફોટકોના વિસ્ફોટને કારણે તેમાંથી એકના કાનને અસર પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ આસામ રાઈફલ્સના ટોચના અધિકારીઓ ભારત-મ્યાનમાર સરહદ નજીક સરહદી શહેર મોરેહ માટે રવાના થઈ ગયા છે. શનિવારે બપોરથી મોરેહ હાઈ એલર્ટ પર છે. તમને જણાવી દઈએ કે મોરેહ તેંગનોપલ જિલ્લાના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
છેલ્લા 7 મહિનાથી રાજ્યમાં છાશવારે હિંસા ભડકી રહી છે. છેલ્લા થોડા સમયથી હિંસા લગભગ બંધ હતી ત્યાં ફરી આવી ઘટના બનતા વાતાવરણ ગંભીર બની ગયું છે.