Fact Check: JDUના અધ્યક્ષપદેથી લલન સિંહના રાજીનામાના સમાચાર સાચા છે કે ખોટા?
પટણાઃ બિહારના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા છે કે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે JDU રાષ્ટ્રીય પરિષદની બેઠક પહેલા રાજીનામું આપી દીધું છે. એવા પણ સમાચાર આવ્યા છે કે લલન સિંહે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી મુક્ત કરવા વિનંતી કરી હતી. જો કે, JDU દ્વારા આવા અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે.
બીજી તરફ જેડીયુ પ્રમુખ લલન સિંહે પણ આવા કોઈપણ સમાચારને નકારી કાઢ્યા છે. સૂત્રો દ્વારા રાજકીય વર્તુળોમાં ફેલાયેલા સમાચાર મુજબ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. જોકે, તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે લલન સિંહના રાજીનામા બાદ 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સીએમ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, પરંતુ JDUના વરિષ્ઠ નેતા વિજય કુમાર ચૌધરીએ હવે આ સમાચારને નકારી કાઢ્યા છે.
બીજી તરફ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે સીએમ નીતીશ કુમાર પોતે અધ્યક્ષ બનવાને બદલે પોતાના નજીકના વ્યક્તિને આ પદ આપી શકે છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે નીતીશ કુમારે લોકસભા ચૂંટણી સુધી પદ પર રહેવાની વિનંતી કરી હતી, પરંતુ લલન સિંહ પદ છોડવા પર અડગ હતા. જોકે, પાર્ટી સ્તરેથી આવા કોઈપણ સમાચારનું ખંડન કરવામાં આવ્યું છે.
રાજકીય વર્તુળોમાં એવી જોરશોરથી ચર્ચા થઇ રહી છે કે લલન સિંહની લાલુ પ્રસાદ યાદવ સાથે ઘનિષ્ટતા વધવાને કારણે નીતીશ કુમાર નારાજ છે અને તેઓ કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે. હવે એવા સમાચાર ફેલાઇ રહ્યા છે કે લલન સિંહે રાજીનામું આપી દીધું છે, પણ જદયુના નેતા વિજયકુમાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી આવી ચર્ચાઓનું ખંડન કર્યું છે.