નેશનલ

અટલજીનું હિંદુત્વ કેવા પ્રકારનું હતું? જાણો દિગ્ગજ નેતા સાથે જોડાયેલા રોચક તથ્યો

દસમા ધોરણમાં ભણતી વખતે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ લખી હિંદુત્વ એટલે શું એ જણાવતી કવિતા.

નવી દિલ્હી: એક એવા નેતા જેમના ભાષણ સાંભળીને વૈચારિક વિરોધીઓ પણ તેમના વખાણ કરતા થઇ જતા, દેશના 10મા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલજી એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક સફળ કવિ, લેખક અને પત્રકાર પણ હતા.

અટલજી જ્યારે દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે ‘રગ-રગ હિન્દુ મેરા પરિચય’ નામની કવિતા લખી હતી. આ વિશે વાત કરતાં અટલજી પોતે કહ્યું હતું કે ‘લોકો કહે છે કે કવિતા લખનારા વાજપેયી અલગ હતા અને શાસન કરનારા વડા પ્રધાન અલગ છે. આમાં કોઈ સત્ય નથી, હું કેવી રીતે ભૂલી શકું કે હું હિંદુ છું, કોઈએ ભૂલવું ન જોઈએ, પરંતુ મારું હિન્દુત્વ સીમિત નથી, સંકુચિત નથી. મારું હિન્દુત્વ હરિજનો માટે મંદિરના દરવાજા બંધ કરી શકતું નથી, મારું હિન્દુત્વ આંતર-પ્રાંતીય, આંતર-જ્ઞાતિ અને આંતરરાષ્ટ્રીય લગ્નનો વિરોધ કરતું નથી. હિન્દુત્વ ખરેખર વિશાળ છે’

જવાહરલાલ નહેરુ બાદ અટલજી પહેલા એવા નેતા હતા જેમણે સતત 3 ચૂંટણીઓ બાદ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 25 ડિસેમ્બરે 1924ના રોજ જન્મેલા અટલજીએ વર્ષ 1942માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ષ 1951 ભારતીય જનસંઘ રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં લખનૌ બેઠક પરથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી, જો કે એ ચૂંટણી તેઓ હારી ગયા હતા, એ પછી 1957માં તેઓ લખનૌ, મથુરા અને બલરામપુરથી ચૂંટણી લડ્યા હતા. લખનૌ, મથુરાથી તેઓ હારી ગયા હતા, જ્યારે બલરામપુરથી તેઓ ચૂંટણી જીતી ગયા હતા. ઇમરજન્સી બાદ જ્યારે મોરારજી દેસાઇની સરકાર બની હતી ત્યારે વાજપેયીએ વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. તેઓ પહેલા એવા નેતા હતા કે જેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં સંબોધન કર્યું હતું.

તેમના કાર્યકાળમાં ટેલિકોમ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવાયા. BSNLની રચના થઇ. ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એપલેટ ટ્રિબ્યુનલ વિશે ચર્ચા થઇ. સુવર્ણ ચતુર્ભુજ યોજના શરૂ થઇ. તેમણે ટેલિકોમ કંપની માટે લાયસન્સ ફી નાબૂદ કરીને રેવન્યુ શેરિંગ સિસ્ટમ શરૂ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button