નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી મહાસંઘની નવી સંસ્થાની રમતગમત મંત્રાલયે આગામી આદેશ સુધી તેની માન્યતા રદ કર્યા પછી આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તરફથી અવનવી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મુદ્દે ડબલ્યુએફઆઈ (ભારતીય કુસ્તી મહાસંઘ)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સૌથી મોટું નિવેદન આપ્યું હતું. નવા પ્રમુખ સંજય સિંહ મારા કોઈ સંબંધી નથી.
હવે રેશલિંગ ફેડરેશનમાં મારી કોઈ ભૂમિકા પણ રહી નથી. અગિયાર મહિનાથી આ વાત કરી રહ્યા છે એમને કહેવા દો. આ કેસ કોર્ટમાં છે. આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને આ મુદ્દે અમે સહન કરી રહ્યા છે. સાક્ષીએ પણ સંન્યાસ લઈ લીધો અને અમે પણ સંન્યાસ લઈ લીધો અને હવે વાત પૂરી થઈ છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે સંજય સિંહ મારા કોઈ સંબંધી નથી. ગોંડામાં રેસલિંગ ચેમ્પિયનશિપ કરવાના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે ફેડરેશનના લોકોએ હાથ ઊંચા કરીને કહ્યું હતું કે અમે તેને ચલાવી શકતા નથી. પંદર-વીસ વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ થાય નહીં તેના માટે અમે આ ટૂર્નામેન્ટ યોજવાનો નિર્ણય લીધો હતો. ચાર દિવસમાં ટૂર્નામેન્ટ યોજવાની હતી. દેશના 25માંથી 25 ફેડરેશનોએ હાથ ઊંચા કરી દીધા અને 31 ડિસેમ્બર સુધી તો ટૂર્નામેન્ટ યોજવાની હતી.
બ્રિજભૂષણે કહ્યું હતું કે હું કામ કરતો રહીશ અને એકેડેમી પણ ચલાવતો રહીશ. એકેડેમીમાં 100થી 150 બાળકો છે હું ખૂદ કુસ્તી રમ્યો છું અને કુસ્તીના કારણે હું આજે અહીં સુધી પહોંચ્યો છું અને અમે અમારી એકેડેમી બંધ કરીશું નહીં.
દરમિયાન પોતાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટર અને જેપી નડ્ડાની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે ચૂંટણી યોજવામાં આવનારી છે તો કોઈ પણ વ્યક્તિ કોઈને મળી શકે છે. નડ્ડાજી અમારા નેતા છે અમે તેમને મળી શકીએ છીએ, પરંતુ પહેલવાનો સંબંધમાં હવે કોઈ વાત નથી. મને લાગે છે કે આ પોસ્ટર (દબદબા હૈ, દબદબા રહેગા)માં અહંકારી છે, તેથી પોસ્ટરોને હટાવી દેવામાં આવ્યા છે.
નવા ફેડરેશન મુદ્દે પણ તેમણે કહ્યું હતું કે 21મી ડિસેમ્બરે જ કુસ્તી સાથે મેં મારો સંબંધ તોડી નાખ્યો હતો. લોકશાહી ઢબે જ સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં સરકારના આદેશથી નવા સંગઠનની નિયુક્તિ કરી છે. હવે શું કરવું અને શું નહીં કરવું એ સંસ્થા નક્કી કરશે. હું નવા પદાધિકારીઓને એટલું જ કહીશ કે ચૂંટણી કરાવો, એમ બ્રિજભૂષણ સિંહે જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને