દારૂ પીવા માટે પૈસા માગનારા પિતરાઇની હત્યા કરવા બદલ રિક્ષાચાલકની ધરપકડ

થાણે: રાયગડ જિલ્લામાં દારૂ પીવા માટે પૈસા માગનારા 32 વર્ષના પિતરાઇની હત્યા કરવા બદલ રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ પનવેલ નજીકના ચિખલે ગામમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી અને કલાકો બાદ આરોપી રિક્ષાચાલક ભરત પાંડુરંગ પાટીલ (42)ની ધરપકડ કરવામાં આવી હતી. ભરત પાટીલ રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે તેના પિતરાઇ આનંદ ધનજી પાટીલે તેને રોક્યો હતો. આનંદ એ સમયે દારૂના નશામાં હતો.
દરમિયાન આનંદે દારૂ પીવા માટે ભરત પાટીલ પાસે પૈસા માગ્યા હતા. આ બાબતને લઇ ભરત સાથે તેનો ઝઘડો થયો હતો. આથી રોષે ભરાયેલા ભરતે આનંદ પર ચોપરથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજા પામેલા આનંદનું ઘટનાસ્થળે મોત થયું હતું.
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આનંદ અને ભરત વચ્ચે કોઇ બાબતને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આનંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને રાતે ભરતની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)