ત્રણે રાજ્યમાં નવા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવી ભાજપે આઘાતની હેટ્રીક મારી
જયપુર: ત્રીજી ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યાં અને 12મી ડિસેમ્બરના રોજ રાજસ્થાનના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત પણ એટલી જ રસપ્રદ રહી. વિધાનસભ્યોની બેઠકમાં સૌથી છેલ્લી લાઇનમાં બેઠેલાં અને પહેલીવાર જ વિધાનસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. અહીં પહેલી લાઇનમાં બેઠેલાં મોટા નેતાઓના ફોટો સરસ આવ્યા છે પણ છેલ્લી લાઇનમાં કાર્યકર્તાઓની જેમ ઉભા રહેલા ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરતાં ઘણાંને આ વાતનો આઘાત લાગ્યો હતો.
રાજસ્થાનમાં છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલી રહેલ મુખ્ય પ્રધાનના નામનું સસ્પેન્સ આખરે ખૂલી ગયું છે. અશોક ગહેલોત બાદ રાજસ્થાના મુખ્ય પ્રધાનનું પદ ભાજપના વિધાનસભ્ય ભજનલાલ શર્માને સોંપવામાં આવ્યું હતું.
જે રાજસ્થાનમાં ભરતી પરીક્ષાના 17 પેપર લીક થયા હતાં ત્યાં ગહેલોત સરકારની વિદાઇ બાદ હવે મુખ્ય પ્રધાન પદનો નિર્ણય એક ચિઠ્ઠી પર થઇ ગયો છે. એ ચિઠ્ઠી જેમાં શું લખ્યું હતું તેનું સસ્પેન્સ અંત સુધી અકબંધ રહ્યું. જેને કોઇ જ લીક ના કરી શકયું. આ ચિઠ્ઠી લેવાવાળો હાથ વસુંધરા રાજેનો હતો. અને ચિઠ્ઠીમાં નામ હતું ભજનલાલ શર્માનું. પહેલીવાર વિધાનસભ્ય બનેલા ભજનલાલ શર્મા હવે રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બધા લોકો વિધાનસભ્યોની બેઠક માટે જઇ રહ્યાં હતાં તો તેમની વચ્ચે ભજનલાલ શર્મા એ રીતા જઇ રહ્યાં હતાં કે કોઇને અંદાજો પણ નહીં આવે કે થોડી ક્ષણો બાદ તેઓ રાજસ્થાનના મુખ્ય પ્રધાન હશે.
ખાસ વાત તો એ છે કે ભાજપે છત્તીસગઢનાં રમન સિંહને વિદાય આપીને વિષ્ણુ દેવ સાયને મુખ્ય પ્રધાન બનાવી બધાને જ ઝાટકો આપ્યો હતો. પછી મધ્ય પ્રદેશમાંથી શિવરાજને કાઢીને મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવ્યા અને મંગળવારે રાજસ્થાનમાં વસુંધરા રાજેને પાછળ કરી ઙજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવી ભાજપે આઘાતની હેટ્રીક કરી હતી.