જેઓ વોન્ટેડ છે……પાકિસ્તાનમાં આતંકવાદીઓના ખાત્મા પર પ્રથમ વખત વિદેશ મંત્રાલયનું નિવેદન
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જે લોકો ભારતીય સત્તાવાળાઓના વોન્ટેડ લિસ્ટમાં છે તેઓએ અહીં આવવું જોઈએ અને કાયદાનો સામનો કરવો જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ‘જે લોકો ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ભારત આવે અને અમારી કાયદાકીય વ્યવસ્થાનો સામનો કરે, પરંતુ હું પાકિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ પર ટિપ્પણી કરી શકતો નથી.’
ઉલ્લેખનીય છે કે 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના કાફલા પર હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંજાલા અદનાનને તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ નિશાન બનાવ્યો હતો. હંજલા અદનાનને 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરવાની ધમકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે.જો કે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ ‘ઉગ્રવાદીઓ છે. વિદેશ મંત્રાલય આવી ધમકીઓ આપનારાઓને પ્રમોટ કરવા કે ક્રેડિટ આપવા માગતુ નથી.
બાગચીએ કહ્યું હતું કે, “અમે ધમકીઓને ગંભીરતાથી લઈએ છીએ. હું ધમકીઓ આપતા ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરવા કે તેમને વધુ મહત્વ આપવા માંગતો નથી. અમે યુએસ અને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે, પરંતુ આ મીડિયા કવરેજ મેળવવાનું વલણ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કતારમાં આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત આ કેસ પર નજર રાખી રહ્યું છે અને તેમને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે. હાલમાં આપણા રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ મળી હતી અને તેઓ જેલમાં રહેલા આઠે ભારતીયોને મળ્યા હતા. વિદેશ મંત્રાલય નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખી ભારતીયોને છોડાવવાની બનતી કોશિશ કરશે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં આ રીતે આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય ્ને તેઓ એક પછી એક ઢેર થઇ રહ્યા હોય. આ પહેલા મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહમદ પીર જેવા ઘણા આતંકવાદીઓ પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.