ત્રણ રાજ્યમાં મુખ્ય પ્રધાનની પસંદગી માટે ભાજપની ફોર્મ્યુલા 65, વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાઈ બેઠક
નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યની ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપને ફરી એક વાર તાકત મળી છે. આગામી લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ તરીકે આ પાંચ રાજ્યની ચૂંટણીને જોવામાં આવી રહી હતી. ત્યારે હવે ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી સફળતા એ આગામી લોકસભાની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વની છે. તેથી જ ભાજપને સત્તા મળી છે એ ત્રણે રાજ્યોમાં મુખ્ય પ્રધાનનો ચહેરો લોકસભાની ચૂંટણીમાં ફાયદો કરાવે તેવો જ હશે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આ વિષયને લઇને એક મહત્વની બેઠક યોજાઇ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન કોણ બનશે તે અંગે ચર્ચા થઇ હતી.
ઉપરાંત, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજ્યોમાં મુખ્ય પ્રધાન કોણ હોઇ શકે તે અંગે રણનીતિ બનાવાઇ હોવાની જાણકારી મળી છે. કારણ કે ભાજપને ફરી એકવાર વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ જોઇએ છે.
મધ્ય પ્રદેશમાં હાલમાં શિવરાજ સિંહ ચૌહાણ મુખ્ય પ્રધાન છે. છત્તીસગઢમાં રમન સિંહ ત્રણવાર મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને રાજસ્થાનમાં વસુંધરા રાજે પણ બે વાર મુખ્ય પ્રધાનપદ સંભાળી ચૂક્યા છે.
ત્યારે હવે આ ત્રણે રાજ્યમાં ફરી આ ત્રણે દિગ્ગજોને તક મળશે કે પછી ભાજપ નવો ચહેરો શોધશે એવી ચર્ચાઓ થઇ રહી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર અને વી.ડી. શર્માનું નામ ચર્ચામાં છે. જ્યારે છત્તીસગઢમાં રમન સિંહ, અરુણ સાવ, વિષ્ણુદેવ સાય, ઓપી ચૌધરી, રેણુકા સિંહ મુખ્ય પ્રધાનની સ્પર્ધામાં છે.
રાજસ્થાનની વાત કરીએ તો વસુંધરા રાજે, બાબા બાલકનાથ, દિયા કુમારી, અર્જુનરામ મેધવાલ, અશ્વિની વૈષ્ણવ અને ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ ચર્ચાઇ રહ્યું છે.
આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં જે વ્યક્તિ લોકસભાની બધી જ બેઠકો જીતી શકે છે એવા જ ઉમેદવારને મુખ્ય પ્રધાનની ખુરશી મળે તેવી શક્યતાઓ છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ આ ત્રણ રાજ્યમાં 65 લોકસભા સદસ્ય હોવાથી ભાજપનું ધ્યાન આ બેઠકો પર છે.
દરમિયાન આજ સુધીનો મોદી-શાહની જોડીનો ઇતિહાસ જોઇએ તો અચાનક નવા ચહેરાને તક આપીને તેમણે ઝટકો આપ્યો છે, તેથી આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનના પદ માટે પણ ભાજપ આવો જ કોઇ ઝટકો આપશે કે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સરપ્રાઇઝ આપશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને સ્પષ્ટ બહુમત મેળવેલ ત્રણ રાજ્યમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં 65માંથી 62 બેઠકો જીતી હતી, તેથી હવે આગામી ચૂંટણીમાં ભાજપનો ઓછામાં ઓછી 62 બેઠક મેળવવાનો ઇરાદો છે.