BAN vs NZ ટેસ્ટ: બાંગ્લાદેશના યુવા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ પર ભારે પડ્યા, કિવીઝની હાર
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 150 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ચોથી ઇનિંગમાં ન્યુઝીલેન્ડને 332 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 181 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશની આ માત્ર બીજી જીત છે. બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ સામેની આ બંને જીત છેલ્લા બે વર્ષમાં જ હાંસલ કરી છે.
બાંગ્લાદેશની તેની પોતાની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં આ પ્રથમ જીત હતી. બંને દેશો 2001થી એક બીજા સામે ટેસ્ટ મેચ રમી રહ્યા છે અને ગયા વર્ષે જ બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ જીત નોંધાવી હતી, બાંગ્લાદેશે માઉન્ટ મૌંગાનુઈમાં કિવીઝને આઠ વિકેટે હરાવ્યા હતા.
છેલ્લા બે વર્ષમાં બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ રમાઈ છે, જેમાંથી બાંગ્લાદેશની ટીમે બે અને ન્યુઝીલેન્ડે એકમાં જીત મેળવી છે. તે જ સમયે, બંને દેશો વચ્ચે એકંદરે 18 ટેસ્ટ રમાઈ છે. જેમાંથી બાંગ્લાદેશે બે અને ન્યુઝીલેન્ડે 13 ટેસ્ટ જીતી છે. ત્રણ ટેસ્ટ ડ્રો થઈ છે.
બાંગ્લાદેશની જીત અંગે ખાસ વાત એ હતી કે ટીમ માત્ર એક સિનિયર ખેલાડી સાથે મેદાનમાં ઉતરી હતી. આ ટીમમાં ન તો શાકિબ અલ હસન, ન તો મહમુદુલ્લાહ (ટેસ્ટમાંથી નિવૃત્ત), ન લિટન દાસ કે ન મુસ્તાફિઝુર રહેમાન હતા. નઝમુલ હુસૈન શાંતોના નેતૃત્વમાં રમતી આ ટીમે ઘણી મજબૂત ન્યુઝીલેન્ડની ટીમને કારમી હાર આપી હતી.
બાંગ્લાદેશ માટે તૈજુલ ઈસ્લામ મેચનો હીરો રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં છ સહિત કુલ 10 વિકેટ લીધી હતી અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો..
આ ટેસ્ટ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 85.1 ઓવરમાં 310 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યુઝીલેન્ડે 317 રન બનાવ્યા હતા અને તેણે બાંગ્લાદેશ પર સાત રનની લીડ મેળવી હતી. બાંગ્લાદેશે તેના બીજા દાવમાં 338 રન બનાવ્યા હતા. કેપ્ટન નઝમુલ શાંતોએ 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 181 રનમાં સમેટાઈ ગઈ હતી અને બાંગ્લાદેશનો 150 રને વિજય થયો હતો.