દેર આયે દુરસ્ત આયેંઃ નવી મુંબઈવાસીઓને 12 વર્ષ પછી મળી આ ભેટ…
મુંબઈ: છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા નવી મુંબઈ મેટ્રોનું કામ આખરે પૂરું થઈ જતાં આ સેવાને 17મી નવેમ્બર શુક્રવારના રોજ ઉદ્ઘાટન વિના નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવામાં આવી છે. આ મેટ્રોના પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી આ લાઇનની મેટ્રો દોડાવવામાં આવવાની છે.
નવી મુંબઈ મેટ્રો સેવાને શરૂ કરવા 12 વર્ષની રાહ જોવી પડી હતી. સિડકો દ્વારા શરૂ થનાર મેટ્રો સેવામાં પ્રથમ તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધીના 11.10 કિલોમીટર લાંબા રૂટ પર 11 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તળોજાના પાંચનંદ ખાતે ખાસ ડેપો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેટ્રો સેવામાં ટ્રેનો દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે એવું જાણવા મળી રહ્યું છે.
17 નવેમ્બરેથી બેલાપુર અને પેંઢાર વચ્ચે શરૂ થનારી પ્રથમ મેટ્રો બપોરે ત્રણ વાગ્યાથી દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ 18 નવેમ્બરે સવારે છ વાગ્યાથી આ સેવાને શરૂ કરવામાં આવશે. આ રુટ પરની છેલ્લી મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સિડકો દ્વારા આ મેટ્રો પ્રોજેક્ટ પર 3,063.63 કરોડ રૂપિયાનો બજેટ રાખવામા આવ્યું હતું અને અત્યાર સુધીમાં 2,954 કરોડ રૂપિયા મેટ્રો લાઇન માટે ખર્ચ કરવામાં આવ્યા છે.
સિડકોના અધિકારી કહ્યું હતું કે 17 નવેમ્બરથી શરૂ થનારી મેટ્રો નવી મુંબઈના રહેવાસીઓ માટે લાભદાયી બનશે. સીબીડી બેલાપુરની સાથે ખારઘર, તળોજા નોડની કનેક્ટિવિટીને સુધારવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ ચાર એલિવેટેડ રૂટ વિકસાવવામાં આવી રહ્યા છે.
તળોજાના પંચનંદ ખાતે ડેપો બનાવ્યો છે. આ માર્ગ પર ટ્રાયલ અનેક સમય પહેલાથી શરૂ કરવામાં આવ્યા હતા અને સિડકોએ આ સેવાને શરૂ કરવા દરેક જરૂરી પરવાનગીઓ પણ મેળવી લીધી હતી. પણ અનેક વખત ઉદ્ઘાટનમાં અવરોધ આવતા આ મેટ્રો સેવાને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેલાપુરથી પેંઢાર મેટ્રોને શરૂ કરવા માટે સિડકો દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સેવાને કોઈ પણ પ્રકારના ઉદ્ઘાટન વગર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.