નેશનલ

યમુનોત્રી નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 25થી વધુ કામદારો ફસાયા હોવાની આશંકા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ટનલની અંદર 25થી વધુ મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ વાતની પુષ્ટિ કરી છે. કન્સ્ટ્રકશન કંપની દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ઘટનાસ્થળે પાંચ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ મૃત્યુની જાણ નથી. પોલીસ ફોર્સની સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા.

ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button