નેશનલ

‘આ મારી મૂર્ખામીને કારણે બન્યો હતો મુખ્યપ્રધાન…’ નીતિશકુમાર હવે કોના પર ભડક્યા?

બિહારમાં ગુરૂવારે વિધાનસભામાં જાતિગત સરવે અને અનામતના પ્રશ્નો પર ચર્ચા થઇ. ચર્ચા દરમિયાન બિહારના સીએમ નીતિશકુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી વચ્ચે ચકમક ઝરી અને ઉગ્ર બોલાચાલી થઇ. સીએમ નીતિશકુમાર એટલા ક્રોધિત થઇ ગયા કે તેમણે એવું કહી દીધું કે તેમની મૂર્ખામીને પગલે જીતનરામ માંઝી બિહારના મુખ્યપ્રધાન બન્યા હતા.
વિધાનસભામાં જાતિ આધારિત સરવેની ચર્ચા થઇ રહી હતી તે દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ જાતિ આધારિત સરવેની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે જો આંકડા ખોટા હશે તો જે ખરેખર લાયક છે તેને યોજનાઓનો લાભ નહિ મળે. ત્યારે આ ટિપ્પણી પર બિહારના સીએમ નીતિશકુમાર ભડકી ગયા, અને તેમણે બધાની વચ્ચે જીતનરામ માંઝીને કહી દીધું કે ‘આ માણસને(માંઝી) કંઇ સમજાતું નથી, આ માણસને મેં મુખ્યપ્રધાન બનાવ્યો હતો. મને 2 મહિનાની અંદર મારા પક્ષના લોકોએ કહ્યું કે આ માણસને હટાવો. આનામાં ગરબડ છે, પછી હું સીએમ બન્યો હતો. બધાને એવું કહેતા ફરે છે કે મુખ્યપ્રધાન હતો, અરે એ તો મારી મૂર્ખામીને લીધે મુખ્યપ્રધાન બન્યો હતો.’ તેમ સીએમ નીતિશકુમારે કહ્યું હતું.

આ ટિપ્પણીને પગલે વિધાનસભામાં રાજકીય માહોલ ગરમાયો હતો. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિતના કેટલાક ધારાસભ્યોએ નીતિશકુમારને શાંત પાડી સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિવાદમાં પૂર્વ સીએમ જીતનરામ માંઝીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે જો નીતિશકુમારને એવુ લાગતું હોય કે હું તેમના કારણે મુખ્યપ્રધાન બન્યો હતો તો આ તેમની ભૂલ છે. જેડીયુ ધારાસભ્યો ધાક જમાવવા લાગતા તેઓ પક્ષથી દૂર થઇ ગયા હતા. તેઓ હંમેશા દલિત પર જ પ્રહાર કરે છે, પક્ષના દબંગ સભ્યો સામે તેઓ બોલી શકતા નથી.’

બિહારના રાજકારણમાં એક સમયે નીતિશકુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી એકબીજાની નજીકના ગણાતા હતા. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં JDU હારી જતા નીતિશકુમારે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપીને જીતનરામ માંઝીને બેસાડ્યા હતા. શરૂઆતમાં જીતનરામ માંઝીને ‘રિમોટ કન્ટ્રોલ સીએમ’ કહેવાતા હતા. પરંતુ ધીમેધીમે તેઓ મોટા નિર્ણયો લેવા લાગ્યા અને નીતિશ અને તેમની વચ્ચે ખટરાગ ઉભો થયો.

પક્ષના અન્ય સભ્યોએ માંઝીને સીએમ પદેથી રાજીનામું આપી દેવા દબાણ કર્યું પરંતુ તેમણે આપ્યું નહિ. તેમના અને નીતિશ વચ્ચેના વણસેલા સંબંધો અંગે એક ઇન્ટરવ્યુમાં જીતનરામ માંઝીએ નીતિશકુમારે તેમનો ‘ઢાલની જેમ’ ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button