નવી દિલ્હીઃ દિવાળી પર ફટાકડા ફોડવાનો ઘણો ટ્રેન્ડ છે. દિવાળીનો તહેવાર હમણાં જ શરૂ થયો છે. વધતા પ્રદૂષણના મામલાની અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણ અટકાવવાનું કામ માત્ર કોર્ટનું નથી, દરેકની જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે અગાઉ જે આદેશો આપ્યા હતા તે માત્ર દિલ્હી માટે જ નહોતા. ફટાકડા પર પ્રતિબંધનો આદેશ આખા દેશ માટે હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડા અંગે જારી કરાયેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.
કોર્ટના આ નિર્દેશો બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે આપણે આ વર્ષે ફટાકડા ફોડી શકીશું કે નહીં? સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. રાજ્ય સરકારે પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં લઈને જ ફટાકડા પર પ્રતિબંધનો નિર્ણય લેવાનો છે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો ક્યાંક ગ્રીન ફટાકડા સળગાવવાની છૂટ હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે. ગ્રીન ફટાકડામાં બેરિયમ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. બોરિયમ ખૂબ જ ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાવે છે.
ફટાકડા પર પ્રતિબંધના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પર્યાવરણીય સંતુલન જાળવવાની જવાબદારી એકલા કોર્ટની નથી. લોકોએ આ બાબતે ગંભીર બનવાની જરૂર છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે.
તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મુદ્દો સ્થાનિક સરકાર પર છોડી દીધો હોય, પરંતુ હોસ્પિટલ જેવા આરોગ્ય-સંવેદનશીલ સ્થળોએ ફટાકડા ન ફોડવા અને ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી કરવા રાજ્ય સરકારોને જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ ચોક્કસ આદેશ જારી કરી રહ્યા નથી. તમામ રાજ્ય સરકારોએ અમારા અગાઉના આદેશનું પાલન કરવું જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને