કોંગ્રેસના સવાલના જવાબમાં પીએમ મોદીએ આપ્યું આ લિસ્ટ, જાણો શું છે મામલો?
તેલંગણા: હૈદરાબાદમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના સીએમ કેસીઆર અને કોંગ્રેસ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને બીઆરએસ મળેલી છે, બંને પક્ષના ડીએનએમાં 3 બાબતો કોમન છે, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદ.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેલંગાણામાં જો ભાજપની સત્તા આવશે તો પહેલી વાર રાજ્યમાં ઓબીસી ચહેરો મુખ્યપ્રધાન બનશે. કોંગ્રેસ અને બીઆરએસ ક્યારેય પછાત વર્ગના વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવતી નથી. આ NDA અને ભાજપ સરકાર જ છે જે ઓબીસી જ્ઞાતિના લોકોના હિતનું સૌથી વધુ ધ્યાન રાખે છે. તેમને સૌથી વધુ પ્રતિનિધિત્વ અપાવે છે.
કેન્દ્રની NDA સરકારમાં હાલમાં 27 ઓબીસી પ્રધાનો છે જે આઝાદી બાદની સરકારોમાંથી ભાજપની સરકારમાં સૌથી વધુ છે. દેશમાં ભાજપના 85 ઓબીસી સાંસદ છે, તેમજ 365 ઓબીસી ધારાસભ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા કુંભારો, સોનીઓ, સુથાર, શિલ્પકાર, ધોબી, દરજી, મોચી, વાળંદ અને આવા ઘણા મિત્રો ફક્ત ઓબીસી સમુદાયમાંથી જ આવે છે. આવા લોકો માટે જ ભાજપ સરકારે પીએમ વિશ્વકર્મા યોજના બનાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષોએ દેશભરમાં જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ઓબીસી વર્ગ માટે કોઈ કામ કર્યું નથી.
પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કેસીઆર સરકારે રોજગાર અને પીવાનું પાણી આપવા મુદ્દે પ્રજા સાથે અન્યાય કર્યો છે. તેલંગણાએ હવે ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. રાજ્યમાં ‘એન્ટી બીસી સરકાર’ને ઉખાડીને ફેંકવાની જરૂર છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.