નેશનલ

પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..

વારાણસી: કાશીનગરીના એક મુસ્લિમ મહિલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેનું પીએચડીનું ભણતર પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં. કુલ પાંચ તબક્કામાં તેમણે પીએચડીનો અભ્યાસક્રમ સમાપ્ત કર્યો હતો. આ ઉપરાંત તેઓ પીએમ મોદી પર એક પુસ્તક પણ લખવા જઇ રહ્યા છે.

પીએચડીના વિષય તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં નજમા કહે છે કે પીએમ નરેન્દ્ર મોદીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ભારતની છબી મજબૂત કરી છે. આજે તેઓ વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ સમગ્ર યાત્રા સંઘર્ષોથી ભરેલી છે. તેથી પીએચડીનો આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ પણ હતો.

પીએચડીમાં નજમાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત અને રાજકીય જીવનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તેઓ કેવી રીતે ગુજરાતના સીએમ બન્યા અને પછી કાશીથી સાંસદ બનીને તેઓ દેશના વડાપ્રધાન બન્યા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં રાજકીય માહોલ કેવી રીતે બદલાયો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણની નવી વ્યાખ્યા બનાવી. પીએચડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય ભાષણોનો ભાવાર્થ પણ સામેલ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સાંસદ બન્યા પછી કાશીનો વિકાસ કેવી રીતે થયો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.

નજમા પરવીન પીએમ મોદી પર પીએચડી કરનારા દેશના પ્રથમ મહિલા છે, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએચડી માટે કોઇને કોઇ રાજનેતાની શોધ કરી રહ્યા હતા. આ માટે તેમણે પીએમ મોદીને પસંદ કર્યા, જો આ માટે તેઓ કોઇની આલોચનાને પાત્ર બને છે તો પણ એનાથી કોઇ ફરક નથી પડતો તેમ નજમાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button