હવે, દિલ્હીના સીએમને ઈડીએ મોકલી નોટિસ, જાણો કેમ?
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસનો રેલો છેક હવે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે, જેમાં બીજી નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ કેસમાં અગાઉ 16મી એપ્રિલના સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન)એ અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ માટે પણ તેમને સમય આપવામાં આવ્યો હતો. જોકે, હવે સંયોગની વાત એ છે કે આ જ કેસમાં અગાઉથી જેલમાં કેદ મનીષ સિસોદિયાને જામીન અરજી કોર્ટે સોમવારે ફગાવી હતી, ત્યારબાદ આજે મોડી રાતે કેજરીવાલને નોટિસ મોકલી છે.
આમ આદમી પાર્ટીના સત્તાવાર એકાઉન્ટ એક્સ પર સત્તાવાર જણાવાયું છે કે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર બનાવટી કેસ કરીને અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવા માગે છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલને ઈડીના સમન્સ મુદ્દે દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને બીજી નવેમ્બરનો સમન્સ મોકલ્યો હતો. હવે એક વાત સ્પષ્ટ બની ગઈ છે કે ભાજપ કોઈ પણ કિંમતે આમ આદમી પાર્ટીને કચડવા માગે છે. અરવિંદ કેજરીવાલને બનાવટી કેસમાં ધરપકડ કરવા અને આપને કચડવા માગે છે, એવો દાવો કર્યો હતો.