મેટિની

શો-શરાબા : નો નેપોટિઝમનો NO…હવે ફિલ્મ્સ કોની….કિડ્સ ઓફ સ્ટારની કે પછી સ્ટોરીની?

-દિવ્યકાંત પંડ્યા

એક સમયે કપૂર, ખાન, ભટ્ટ કે ચોપરા અટક હોલ ઓફ ફેમના પાસપોર્ટ સમાન ગણાતી હતી. એક સ્ટારકિડ માટે ડેબ્યૂ ફિલ્મ એટલે ઓટોમેટિક હાઈપ, ન્યૂઝ ચેનલ પર કવરેજ, ટ્વિટર પર ટ્રેન્ડ અને થિયેટરમાં ઓપનિંગ કલેક્શનનું ગેરંટી કાર્ડ. લોકો પણ રિલીઝ પહેલાં જ ફિલ્મ માટે ઉત્સાહમાં આવી જતા.

જોકે, આ પેટર્ન હવે તૂટી રહી છે. હવે ભારતીય દર્શક માત્ર લેગસીથી ખુશ નથી, એમને કંટેન્ટ-વાર્તા જોઈએ છે, અભિનય-પર્ફોર્મન્સ જોઈએ છે. જો એ વસ્તુ નથી, તો તમે કોણ છો એનો કોઈ અર્થ નથી રહેતો. આ બદલાવ ઘણા તાજેતરના ઉદાહરણોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.

સૌથી પહેલું અને સ્પષ્ટ ઉદાહરણ છે ‘ધ આર્ચીઝ’.

ઝોયા અખ્તર જેવી ટેલેન્ટેડ ડિરેક્ટર, ટીનજર્સ માટે પોપ્યુલર કોમિક આધારિત વિષય અને સ્ટારકિડ્સ ત્રિપુટી: સુહાના ખાન (શાહરુખ ખાનની દીકરી), અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનનો દોહિત્ર) અને ખુશી કપૂર (શ્રીદેવીની દીકરી), આ બધું હોવા છતાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પછી પણ દર્શકોએ ઇગ્નોર કરી-નાપાસ કરી સાથે એ સ્પષ્ટ સંકેત આપ્યો કે સારી વાર્તા જોઈએ.

‘બેધડક’ જેવી ફિલ્મની વાત કરીએ તો એમાં શનાયા કપૂર (સંજય કપૂરની દીકરી)નું સિનેમાર્પણ હતું. ફુલ પેકેજ તરીકે જાહેરાત કરાઈ, પણ ફિલ્મના શૂટિંગ કે ફિલ્મની રિલીઝ વિશે બે વર્ષ થયાં તો પણ કોઈ જ સ્પષ્ટ માહિતી નથી. હવે શનાયાની બીજી ફિલ્મ્સની જાહેરાતો થઈ છે, પણ લોકો હવે એટલી ઉતાવળે કોઈ સ્ટારકિડની ફિલ્મ માટે રાહ જોઈને બેસતા નથી.

એ જ રીતે ‘લાઈગર’, જેમાં અનન્યા પાંડે (ચંકી પાંડેની દીકરી) સાથે સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા હતા. પાન ઇન્ડિયા લેબલ લગાડી, ફ્લાઇટમાં ઇન્ટરવ્યૂ આપ્યા, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાચી સાબિત થઈ. અનન્યાની જ વેબ સિરીઝ ‘કોલ મી બે’માં પણ એને એક્ટિંગ માટે ટ્રોલ કરવામાં આવી હતી. આ બધું દર્શાવે છે કે હવે લોકો રેપ્યુટેશન પર નહીં, ક્ધટેન્ટ પર રોકાણ કરે છે.

જ્યાં સ્ટારકિડ્સની ફિલ્મ્સ પછડાતી જાય છે, ત્યાં ‘ટ્વેલ્થ ફેલ’ જેવી ફિલ્મ તોફાન બનીને આવી હતી. વિક્રાંત મેસ્સી જેવો એક્ટર કે જેનું સ્ટારડમ નથી, છતાં એના પાત્ર મનોજ સાથે દેશના લાખો યુવાઓએ પોતાની જાતને જોડી દીધી. ફિલ્મ માટે માઉથ પબ્લિસિટીએ જોરદાર રીતે કામ કર્યું. આ બદલાતા ટ્રેન્ડનું બીજું સૌથી મોટું ઉદાહરણ છે.

એ જ રીતે ‘આર્ટિકલ 370’, ‘સીતારામમ’, ‘મડગાંવ એક્સપ્રેસ’ વગેરે ફિલ્મ્સે એ સાબિત કર્યું કે સ્ટોરી અને એક્ટિંગમાં દમ હોય તો ઓડિયન્સ આપમેળે આવે. તમારું બેકગ્રાઉન્ડ શું છે એ પછીની વાત છે. યામી ગૌતમ, દુલકર સલમાન, મૃણાલ ઠાકુર, દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી જેવા લોકોનું કામ જોવાય છે, અટક નહીં.

હજુ વધુ ઉદાહરણોની વાત કરીએ તો તાજેતરમાં જ ‘આઝાદ’, ‘લવસિયાપ્પા’, ‘નાદાનિયા’ આ ત્રણેય ફિલ્મ્સ સ્ટારકિડ્સ માટેની જ હતી. ‘આઝાદ’માં અમન દેવગન (અજય દેવગનનો ભત્રીજો) અને રાશા થડાણી (રવિના ટંડનની દીકરી) હતાં.

ફિલ્મ પીરિયડ ડ્રામા હતી અને તેમાં ઘોડા, એક્શન, દેશભક્તિ બધું હતું તો પણ લોકો જોડાઈ શક્યા નહીં. ‘લવયાપ્પા’માં ખુશી કપૂર અને જુનૈદ ખાન (આમિર ખાનના પુત્ર) હતાં. રોમ-કોમ એવી લાઈટ હાર્ટેડ ફિલ્મ હતી, પરંતુ કેમેરા સામે લાગતું હતું કે એક્ટર્સે ડાયલોગ્સ ગોખી લીધા છે અને બસ બોલી રહ્યા છે.

‘નાદાનિયા’ ઓટીટી પર રિલીઝ થઈ. આમાં ઈબ્રાહિમ અલી ખાન (સૈફ અલી ખાનનો દીકરો) અને ફરીથી ખુશી કપૂર હતાં. રોમેન્ટિક કોમેડી હતી. ઓટીટી પર નિષ્ફ્ળ થવાની ભાષા થોડી અલગ હોય છે, પણ જ્યારે લોકો ક્લિપ્સ ટ્રોલ કરીને વાયરલ કરે ત્યારે સમજાઈ જાય કે લોકોએ ફિલ્મ રિજેક્ટ કરી દીધી છે.

આ બધું જોઈને હવે એટલું સ્પષ્ટ થાય છે કે સ્ટારકિડ હોવું એ શરૂઆત માટે દરવાજો ખોલે છે, પણ પ્રવેશ પછી ટકી રહેવું એ આવડત પર આધાર રાખે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા કેટલાક સ્ટારકિડ્સ પોતાનું ટેલેન્ટ સાબિત કરી ચૂક્યા છે અને તેથી ટકી પણ ગયા છે.

આલિયાને આજે કોઈ ફક્ત મહેશ ભટ્ટની દીકરી નથી કહેતું. લોકો એને ‘રાઝી’, ‘ડાર્લિંગ્સ’, ‘હાઇવે’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મ્સથી ઓળખે છે. અને એ જ રીતે રણબીર પણ ‘રોકસ્ટાર’, ‘તમાશા’ અને ‘બરફી’ જેવી ફિલ્મ્સ માટે યાદ રહે છે, કપૂર હોવા માટે નહીં.

ઓટીટી અને સારા એક્ટર્સના પર્ફોર્મન્સીસના જોરે લોકો હવે ઊલટાનું જયદીપ અહલાવત, શેફાલી શાહ, મનોજ બાજપેઈ, પ્રતીક ગાંધી, વિક્રાંત મેસ્સી, વગેરે માટે એમ કહે છે કે ‘હું એમની નવી સિરીઝ આવશે ને, એ તો જરૂર જોઈશ.’

આ કેટલું મોટું પરિવર્તન છે. 2010ના દાયકામાં કોઈ આઉટસાઈડરનો ચહેરો પહેલી વાર સ્ક્રીન પર આવે ત્યારે લોકો પૂછતા, ‘આ કોણ છે?’ આજે લોકો કહે છે, ‘આ જે છે ને, તે બહુ સારું કામ કરે છે.’

સ્ટારકિડ્સ માટે પણ રસ્તો બંધ નથી. બસ હવે એમને પણ રેસમાં એટલું જ દોડવું પડશે, ડેડ કે મોમની રેસના આધારે રેન્ક નહીં મળે!

લાસ્ટ શોટ
‘લવયાપ્પા’ જોઈને દર્શકોએ કહ્યું હતું કે, ‘યાર, અમે રીલ્સમાં પણ આનાથી વધારે સારી એક્ટિંગ જોઇએ છીએ..! ’

આપણ વાંચો : શો-શરાબા : જૂના ફિલ્મ ટાઇટલ્સ અને નવી ફિલ્મ્સના અતરંગી કિસ્સા જાણવા જેવા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button