ચિનાબ રેલ બ્રિજ બનાવવા માટે આ મહિલાએ કરી છે 17 વર્ષ તપશ્ચર્યાઃ જાણો રિયલ સુપરવુમન વિશે

નવી દિલ્હી: તાજેતરમાં પાર પડેલા ઑપરેશન સિંદૂરની બે વિરાંગનાઓ કર્નલ સોફીયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ બાદ દેશ ગર્વ લઈ શકે તેવો એક નવો ચહેરો સમાચારોમાં ખિલી રહ્યો છે. આ મહિલાએ ભલે સરહદ પર લડાઈ નતી લડી, પરંતુ જમ્મુ-કાશ્મીરને મજબૂત બનાવવાનું કામ ચોક્કસ કર્યું છે. આ મહિલાનું નામ છે ડૉ. માધવી લતા. ચાલો તેમનાં વિશે તમને જણાવીએ.
કોણ છે ડૉ. માધવી લતા?
ડૉ. માધવી લતા ભારતીય વિજ્ઞાન સંસ્થાન(IISc) પ્રૉફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે 1992માં જવાહરલાલા નહેરૂ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનીયરિંગમાં બી.ટેક. કર્યું હતું. ત્યારબાદ તેમણે NIT વારંગલમાંથી એમ.ટેક. કર્યું હતું. જેમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. ત્યારબાદ ગોલ્ડમેડલિસ્ટ માધવી લતાએ વર્ષ 2000માં IIT મદ્રાસ ખાતેથી PhDનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ રીતે માધવી લતા આખરે ડૉ. માધવી લતા બની હતી.
ભૂ-તકનીક ઈજનેરી ડૉ. માધવી લતાનો મનપસંદ વિષય
વર્ષ 2004માં ભારતીય વિજ્ઞાન સંસ્થાન(IISc)માં પ્રૉફેસર તરીકે જોડાતા પહેલા તેમણે IIT ગુવાહાટીમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. તેમના સંશોધનના રસના વિષયોમાં ભૂ-મિકેનિક્સ, ટકાઉ માટી મજબૂતીકરણ, ભૂકંપ ભૂ-તકનીકી ઇજનેરી અને ખડક ઇજનેરીના સૂક્ષ્મથી અતિસુક્ષ્મ પાસાઓનો સમાવેશ થાય છે. તેઓ ભારતીય ભૂ-તકનીકી સોસાયટીમાં ભૂ-તકનીક ઈજનેરીમાં સર્વશ્રેષ્ઠ મહિલા શોધકર્તા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પહેલી મહિલા છે.
ડૉ. માધવી લતાએ કર્યું ચિનાબ રેલ બ્રિજના નિર્માણમાં કામ
28 મે 2025ના રોજ ભારતીય જિયોટેક્નિકલ જર્નલના મહિલા વિશેષાંકમાં “ડિઝાઈન એઝ યુ ગો: ધ કેસ સ્ટડી ઓફ ચિનાબ રેલવે બ્રિજ” નામનો લેખ પ્રકાશિત થયો હતો. આ લેખ ડૉ. માધવી લતાએ લખ્યો હતો. જેમાં તેમણે પાછલા 17 વર્ષો દરમિયાન પુલના નિર્માણમાં આવેલા પડકારો અને તેમાથી મેળવેલી શિખનું સવિસ્તાર વર્ણન કર્યું હતું. પુલના ઉદ્ધાટન થયા બાદ, IIScએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અમને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલા ચિનાબ બ્રિજમાં પ્રૉફેસર માધવી લતા અને તેમની ટીમના યોગદાન પર ગર્વ છે. ટીમે ઢોળાવોની સ્થિરતા, પાયાની ડિઝાઈન અને નિર્માણ, રોક એન્કર સહિત રસ્તામાં આવતા ઊંચાનીચા ઢાળને સમતળ કરવાનું કામ કર્યું.”
ડૉ. માધવી લતાએ મેળવ્યા અનેક પુરસ્કાર
ઉલ્લેખનીય છે કે, ડૉ. માધવી લતાને IIScનો પ્રૉફેસર એસકે ચેટર્જી ઉત્કૃષ્ટ સંશોધક પુરસ્કાર, કર્ણાટક બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા મહિલા અચીવર્સ પુરસ્કાર મળી ચૂક્યો છે. આ સિવાય તેમણે SERB POWER ફેલોશિપ પણ મેળવી હતી. તેઓ STEAM ઓફ ઈન્ડિયાની ટોપ 75 મહિલાઓમાં પણ શામેલ છે.
આ પણ વાંચો…“દુનિયાની આઠમી અજાયબી” ચિનાબ રેલ બ્રિજ તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન