જવાનો પરનો ખતરો ઓછો કરવા સરહદે લડશે માનવીય રૉબૉડી આરડીઓ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે

પુણે: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વૈજ્ઞાનિકો એવા માનવીય રૉબૉ બનાવવા પર કામ કરી રહ્યા છે જેનો ઉપયોગ લશ્કરી મિશન માટે કરવામાં આવશે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
ડીઆરડીઓની મુખ્ય લૅબ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસ્મેન્ટ (આરએન્ડડીઇ-એન્જિનિયર્સ) દ્વારા એક મશીન વિકસાવવામાં આવ્યું છે જે માનવી આદેશ પ્રમાણે જટિલ કાર્યો કરી શકે છે. આ મશીન વિકસાવવાનો મુખ્ય ઉદૃેશ્ય લશ્કરી જવાનો પરનું જોખમ ઓછું કરવાનો છે.
આરએન્ડડીઇ-એન્જિનિયર્સના સેન્ટર્સ ફોર સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ ફોર એડવાન્સ્ડ રૉબૉટિક્સ ખાતેના ગ્રુપ ડિરેક્ટર એસ. ઇ. તાલોલેએ જણાવ્યું હતું કે અમારી ટીમ ચાર વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અમે શરીરના ઉપરી અને નીચલા ભાગ માટેના વિવિધ પ્રોટોટાઇપ વિકસાવ્યા છે અને આંતરીક પરીક્ષણો દરમિયાન તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન
પુણેમાં તાજેતરમાં યોજાયેલા એડવાન્સ્ડ લેગ્ડ રોબોટિક્સના નેશનલ વર્કશોપમાં આ માનવી રૉબૉ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
હાલના તબક્કે વૈજ્ઞાનિકોની ટીમ જે તે વ્યક્તિ માનવી રોબોટને ઓપરેટ કરે તે તેને વધુ સારી રીતે સમજી શકે અને તેના નિર્દેશ પ્રમાણે વર્તી શકે એવી ક્ષમતા વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે.
માનવી રૉબૉમાં મુખ્ય ત્રણ વસ્તુ જરૂરી છે. એક કે તે માનવોની જેમ જ હલનચલન કરી શકે. બીજું કે તે આસપાસ શું ચાલી રહ્યું છે તેના સમયસર ડેટા ભેગા કરી તેના પર કામ કરી શકે અને ત્રીજી મહત્ત્વની વસ્તુ કે જે ડેટા કલેક્ટ કર્યા છે તેના આધારે યોગ્ય તે કાર્યવાહી કરી શકે.
આ પ્રોજેક્ટ ૨૦૨૭ સુધી પૂર્ણ થવાની આશા સેવાઇ રહી છે, એમ ડિઝાઇન ટીમના વૈજ્ઞાનિક કિરણ અકેલાએ જણાવ્યું હતું. (પીટીઆઇ)