બોર્ડર પર ફરજ બજાવવા જઈ રહેલા સેનાના જવાન પાસે TTEએ લાંચ માંગી; રેલવેએ કાર્યવાહી કરી

નવી દિલ્હી: પાકિસ્તાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના જવાનોની રજા રદ કરવામાં આવી હતી. ફરજ પર હાજર થવાની હાકલ થતાં સૈનિકો ઘરેથી બોર્ડર તરફ જવા નીકળી ગયા હતાં. એવામાં અહેવાલ છે કે એક ટ્રેનમાં TTE એ ફરજ પર જઈ રહેલા સૈનિકો સાથે ગેરવર્તન કર્યું હતું અને તેમની પાસેથી લાંચ માંગી (TTE asked for bribe from soldier) હતી.
અહેવાલ મુજબ સૈનિકો મધ્યપ્રદેશના ઇન્દોરથી જમ્મુ જઈ રહ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, આરોપી TTEને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. ટીટીઈ અને સૈનિકો વચ્ચેની દલીલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
સુબેદાર વિનોદ કુમાર દુબેએ એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું કે તેમને 8મી બુધવારના રોજ રાત્રે 10 વાગ્યે સંદેશ મળ્યો કે તેમને તેમની રજા રદ કરવી પડશે અને તાત્કાલિક જમ્મુ પહોંચવું પડશે. તેણે પોતાનો સામાન પેક કર્યો અને 11 વાગ્યે રેલ્વે સ્ટેશન પહોંચ્યા. તેઓ ઇન્દોરથી જમ્મુ જતી માલવા એક્સપ્રેસ (12919)માં ચઢ્યા. સુબેદારે કહ્યું કે અચાનક જવાથી તેઓ રિઝર્વેશન કરાવી શક્યા નહીં. મેં જનરલ ટિકિટ લીધી અને S1 કોચમાં ચઢી ગયો. તેઓ આખી રાત ખાલી સીટ પર સુતા રહ્યા.
150 રૂપિયાની લાંચ:
સુબેદાર વિનોદ કુમારે જણાવ્યું કે શુક્રવારે સવારે 9 વાગ્યે, જ્યારે ટ્રેન સોનીપત-પાણીપત વચ્ચે પસાર થઈ રહી હતી. એક ટીટીઈ દલજીત સિંહ આવ્યા. તેની સીટ પાસે ઝહીર ખાન અને હવાલદાર રાજકુમાર ભદૌરિયા નામના અગ્નિવીર પણ હાજર હતાં. જ્યારે ટીટીઈ દલજીત સિંહે પહેલી વાર અગ્નિવીર પાસે ટિકિટ માંગી ત્યારે તેને જનરલ ટિકિટ બતાવી. ટીટીઈએ કહ્યું કે દંડ ભરવો પડશે. સૈનિકોએ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું અને કહ્યું કે તેને તાત્કાલિક જમ્મુ બોલાવવામાં આવ્યા છે. પછી તેણે ઝહીર ખાન પાસેથી 150 રૂપિયા લીધા અને ચાલ્યો ગયો.
એવો આરોપ છે કે રસીદ માંગવા પર, TTE એ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે આગળ ટ્રેનમાં જ રહેશે. સુબેદાર વિનોદ કુમારે કહ્યું કે આ પછી ટીટીઈએ તેમની પાસેથી પણ લાંચ માંગી. જ્યારે તેણે ના પાડી, ત્યારે તેને જનરલ ડબ્બામાં જવાનું કહેવામાં આવ્યું.
સુબેદાર વિનોદે કહ્યું કે મુસાફરી લાંબી છે અને તેમણે જમ્મુ જઈને સરહદ પર ફરજ બજાવવાની છે. તેણે ટીટીઈ પર તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે મીડિયાનો સંપર્ક કર્યો અને આ ઘટના વર્ણવી.
રેલ્વે કડક પગલા ભરશે:
મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ, આરોપી ટીટીઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રેલ્વે સર્વિસના X હેન્ડલે જણાવ્યું હતું કે, ‘સંબંધિત સ્ટાફ (TTI/LDH) ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.’