આ ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મે તુર્કી, અઝરબૈજાન, ચીન માટે બુકિંગ બંધ કર્યું; જાણો કારણ

મુંબઈ: ગત મહીને પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ જમ્મુ અને કશ્મીરના પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવી હુમલો (Pahalgam Terrorist Attack) કર્યો હતો. ત્યાર બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (India-Pakistan Tension) રહ્યો છે, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, છતાં પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, એવામાં ચીન (China), તુર્કીએ (Turkey) અને અઝરબૈજાન (Azerbaijan) જેવા દેશો પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું છે, એવામાં ભારતના જાણીતી ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મે આ દેશોનો બહિસ્કાર કયો છે.
નોંધનીય છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કશ્મીરમાં પ્રવાસનને મોટો ફટકો (Jammu and Kashmir Tourism) પડ્યો છે. હજારો લોકોએ જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ રદ કય્યો છે, લોકો જમ્મુ અને કશ્મીર ફરવા જતા ગભરાઈ રહ્યા છે. એવામાં પાકિસ્તાનને મિત્ર દેશો સામે વિરોધ દર્શાવતા ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મ ixigo તુર્કી, અઝરબૈજાન અને ચીન માટે તમામ ફ્લાઇટ્સ અને હોટેલનું બુકિંગ સ્થગિત કરી રહ્યું છે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ માટે તૈયાર! ટ્રમ્પનો દાવો…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં, ixigo એ લખ્યું, “આપણા રાષ્ટ્રની ભાવના સાથે એકતા દર્શાવવતા ixigo તુર્કી, અઝરબૈજાન અને ચીન માટે ફ્લાઇટ અને હોટેલ બુકિંગ સ્થગિત કરી રહ્યું છે. કારણ કે જ્યારે ભારતની વાત આવે છે, ત્યારે અમારે બીજી વાર વિચાર કરવાની જરૂર નથી. જય હિંદ.”
તુર્કીયેએ આપ્યો પાકિસ્તાનને સાથ
ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યા બાદ X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં તુર્કીયેના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન અને ભારત વચ્ચેના વધતા તણાવ પર ચિંતા સાથે નજર રાખી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે (6 મે) ભારત દ્વારા કરવામાં આવેલ હુમલાથી ફૂલ સ્કેલ યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ છે. અમે આવા ઉશ્કેરણીજનક પગલાં તેમજ નાગરિકો અને નાગરિક ઈમારતોને લક્ષ્ય બનાવતા હુમલાઓની નિંદા કરીએ છીએ.”
આ પણ વાંચો: કોઈ પણ આતંકવાદી કૃત્ય હવે ભારત સામે યુદ્ધ માનવામાં આવશે; ભારત સરકારનો નિર્ણય
અઝરબૈજાનું નિવેદન
થોડા સમય પછી, અઝરબૈજાને પણ ચિંતા વ્યક્ત કરી અને ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. અઝરબૈજાને એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં લખ્યું હતું: “રિપબ્લિક ઓફ અઝરબૈજાન રિપબ્લિક ઓફ ઇન્ડિયા અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધુ વધારો થવા પર પોતાની ચિંતા વ્યક્ત કરે છે. અમે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સામેના લશ્કરી હુમલાઓની નિંદા કરીએ છીએ જેમાં અનેક નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા.”
ભારતીયો આ બે દેશોમાં ઠાલવે છે કરોડો રૂપિયા
દેશનો બહુ મોટો વર્ગ વિદેશ ફરવા જાય છે. આ દેશોની યાદીમાં તુર્કીયે અને અઝરબૈજાન પણ છે. અહીં ફિલ્મોના શૂટિંગ પણ મોટા પ્રમાણમાં થાય છે. ભારતનો મીડલ ક્લાસ પોતાની વર્ષભરની મહેનતનો એક મોટો હિસ્સો ટૂરિઝમમાં ખર્ચે જેનો ફાયદો આ બે દેશોએ પણ ભરપૂર લીધો છે.
આ અંગેના આંકડા ભાજપના ફોરેન રિલેશન્સના ગુજરાતના કન્વેનર દિગંત સોમપુરાએ આપ્યા છે. નેશનલ એજન્સી પાસેથી તેમણે મેળવેલા ડેટા અનુસાર વર્ષ 2024માં તુર્કીયે ફરવા ગયેલા ભારતીયોની સંખ્યા 2.75 લાખ હતી અને 2.5 લાખ ભારતીયો અઝરબૈજાનના બાકુ ફરવા ગયા હતા. 2022થી 2024 દરમિયાન ભારતીય પર્યટકોની સંખ્યામાં 68 ટકાનો વધારો નોંધાયો હતો. અહીં અઝરબૈઝાનમાં ભારતીયો સરેરાશ 4-6 દિવસ રોકાયા હતા અને તુર્કીયેમાં 7-10 દિવસ રોકાયા હતા.
આ પણ વાંચો: ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકી ઠાર, આ રહ્યું લિસ્ટ
અઝરબૈજાનની અર્થવ્યવસ્થામાં ભારતીયોએ લગભગ રૂ. 1000થી 1,250 કરોડ એક વર્ષમાં આપ્યા છે. આવી જ રીતે તુર્કીયેની અર્થવ્યવસ્થામાં રૂ. 2,900થી 3,350 કરોડ દર વર્ષે રેડાય છે. ઈસ્તંબુલ, કેપ્પાડોશિયા અને એન્ટાલિયામાં ભારતીયો મોટી સંખ્યામાં ફરવા જાય છે. ફિલ્મો પણ ઘણી શૂટ થાય છે.
બન્ને દેશો ભારતીયોને આકર્ષે છે અને તે માટે વિઝાની સુવિધાઓમાં પણ ઘણી રાહતો આપી છે. મોટાભાગની એરલાઈન્સ પણ બાકુ અને ઈસ્તંબુલની ઘણી ફ્લાઈટ્સ ઓફર કરે છે. ભારતીયોને લીધે અહીં તુર્કીયે અને અઝરબૈજાનમાં 20,000 કરતા વધારે રોજગારી મળી છે અને 45,000થી 60,000 જેટલી પરોક્ષ રોજગારી ઊભી કરે છે. તુર્કીયેના હૉસ્પિટાલિટી, લક્ઝરી આઈટમ્સ, મનોરંજન, મેડિકલ ટુરિઝમ સહિતના કારણોને લીધે ભારતીયો આ દેશોની મુલાકાત લે છે. અહીંના હૉસ્પિટાલિટી સેક્ટરમાં ભારતનું રોકાણ લગભગ 35 ટકા આસપાસ વધ્યું છે.