
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત રહ્યો છે. સૂત્રોના પાસેથી મળતી વિગતો અનુસાર ભારતે આજે શનિવારે વહેલી સવારે પાકિસ્તાનના ચાર એરબેઝ પર વળતો પ્રહાર કર્યો છે. ગઈ કાલ રાત્રે ભારતનાં 26 સ્થળો પર કરવામાં આવેલા હુમલાનાં તાત્કાલિક જવાબ સ્વરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આતંકવાદી લોન્ચ પેડનો નાશ
સમાચાર એજન્સીનાં અહેવાલ અનુસાર જમ્મુ નજીક ભારતીય સેના દ્વારા પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ કરવામાં આવ્યો છે. આ સ્થળો પરથી ટ્યુબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા
પાકે. 26 સ્થળોએ હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી રાત્ર પાકિસ્તાને બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાલા સહિત આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર 26 સ્થળોએ હુમલો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 26 સ્થળોએ ડ્રોન દેખાયા
સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ હથિયારોથી સજ્જ ડ્રોન પણ સામેલ છે. આ હુમલામાં પંજાબનાં ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોને નાગરિક વિસ્તારને નિશાન બનાવ્યો હતો, જેના કારણે એક સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…‘હવે હુમલા બંધ કરો, બાળકો મરી રહ્યા છે’, મહેબૂબા મુફ્તીએ શાંતિ માટે અપીલ કરી…