ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની કરી વાત

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે પહેલેથી તણાવભર્યા સંબંધો રહ્યા છે. 22મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી ધરબી હત્યા કર્યા બાદ ભારતે બુધવારે રાત્રે ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કર્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગે છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશ વચ્ચે મધ્યસ્થી કરવા અને શાંતિ સ્થાપવાની તૈયારી બતાવી છે.
તેમણે કહ્યું કે અમારા બંને દેશો સાથે સારા સંબંધો છે અને જો હું આમાં કંઈક કરી શકું તો મને કરવામાં વાધો નથી. જોકે ટ્રમ્પે પહેલીવાર આ વાત કહી નથી, અગાઉ પણ કહી હતી પરંતુ ભારતે નકારી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બન્ને દેશો વચ્ચે જે થઈ રહ્યું છે તે ભયંકર સ્થિતિ છે. બન્ને દેશોને હું સારી રીતે જાણું છું. હું બન્ને સાથે સારો વ્યવહાર કરું છું. બન્ને જો ઈચ્છે તો હું તેમના વચ્ચે મધ્યસ્થી કરી શાંતિ સ્થાપવામાં મદદ કરી શકું છું. હું ઈચ્છું છું કે બન્ને દેશોમાં શાંતિ રહે. બન્ને દેશો માટે કોઈ સંદેશ આપવાનું તેમણે ટાળ્યું હતું.
અગાઉ ભારત સરકારને મોટાભાગના દેશોએ યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી. ભારતે પણ યુદ્ધનો માર્ગ ન લેતા માત્ર આતંકવાદી ઠેકાણાઓનો ખાત્મો બોલાવ્યો છે.
આ પણ વાંચો….પાકિસ્તાનની પોલ ખુલી પડી; આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર