ગુજરાતમાં કમોસમી વરસાદે 14 લોકોનો લીધો ભોગ, આ રહ્યું લિસ્ટ

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદથી 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 4 મહિલાઓ અને 10 પુરુષો છે. ખેડા જિલ્લામાં 4, વડોદરામાં 3, અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં 2-2 તથા આણંદ જિલ્લામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં વરસાદ દરમિયાન ઈજાની 16 ઘટના બની હતી. આ ઉપરાંત 26 પશુના મોત થયા હતા અને મકાનને નુકસાન થયાના 7 બનાવ નોંધાયા હતા.
કેવી રીતે થયા મોત
વિરમગામમાં ઠાકોર મંગાજીભાઈ કમશીભાઈનું વીજળી પડવાથી, આણંદમાં કાળીબેન બીલ્લો વસાવાનું દીવાલ પડવાથી, ઠાસરામાં કિપાલબેન કેસરીસિંહ ચાવડાનું ઝાડ પડવાથી, દેવગઢ બારીયાના તોપણી ગામના પટેલ શકરાભાઈ શનાભાાઈનું ઝાડ પડવાથી, નડીયાદના પાલડી ગામે સોઢા મહેશભાઈ જુવાનસિંહનું ઝાડ પડવાથી, મહેમદાવાદના રૂદકા ગામના બારૈયા રણજીતસિંહ બુધાભાઈનું મકાન પડવાથી, અમદાવાદના જમાલુપરના હિમાંશુકુમાર ઉર્ફે ચકો રાજેન્દ્રબાઈ પરમારનું હોર્ડિંગ પડવાથી, ભીલોડાના ધધાસણ ગામના ડામોર વિશાલકુમાર દિપકભાઈનું વીજળી પડવાથી, ભીલોડાના ગોરવાડા ગામના લાલજીભાઈ શંકરભાઈ ગેલોતનું વીજળી પડવાથી, દેવગઢ બારીયાના કુવાબારી ગામના લબડા મંગીબેનનું ઝાડ પડવાથી, વડોદરામાં જયેશભાઈ મોરેનું કરંટ લાગવાથી, મહેમદાવાજના સણસોલી ગામના વાલીબેન મોહનભાઈ ભરવાડનું છત-પતરા પડવાથી, વડોદરામાં પર્વત ડાંગરનું કરંટ લાગવાથી, વડોદરામાં ગીરીશ ચૌરેનું હોર્ડિંગ પડવાથી મોત થયા હતા.
આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે. આ ઉપરાંત અનેક સ્થળોએ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. 7 અને 8મેના રોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા.
આ પણ વાંચો…વૈશાખમાં રાજ્યનાં 53 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ; અમદાવાદમાં પણ મોડી રાતે શરૂઆત