ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક ચાલુ જ છે…આ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરાયા

નવી દિલ્હીઃ બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓના હિન્દુ લોકો પરના હુમલામાં 28 જણના જાન ગયા એને પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત ઍક્શન-મોડમાં છે અને લગભગ દરરોજ પાકિસ્તાનને ઝટકા લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં ભારત સરકાર પાકિસ્તાનના એવા ખેલાડીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટની વિરુદ્ધ ઍક્શન લઈ રહી છે જેમના ભારતમાં બહુ મોટી સંખ્યામાં ફૉલોઅર્સ છે.
બાબર આઝમ (BABAR AZAM), હૅરિસ રઉફ (HARRIS RAUF), મોહમ્મદ રિઝવાન (MOHAMMED RIZWAN), શાહિન શાહ આફ્રિદી (SHAHEEN SHAH AFRIDI)ના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક (BLOCK) કરી નાખવામાં આવ્યા છે.
બીજી ખાસ વાત એ છે કે દુશ્મનદેશ પાકિસ્તાનના આ ખેલાડીઓના ભારતમાં ઇન્સ્ટા અકાઉન્ટ (INSTAGRAM ACCOUNT) ખોલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આ સંદેશ મળી રહ્યો છે, `ભારતમાં આ અકાઉન્ટ ઉપલબ્ધ નથી. કાનૂની અનુરોધ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

ભારત સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં પાકિસ્તાનની અનેક યુટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત, ભારતની સેના અને ભારતની સલામતી સંસ્થાઓની વિરુદ્ધ ઉશ્કેરણીજનક તથા સાંપ્રદારિક રૂપે સંવેદનશીલ સામગ્રી, જૂઠ્ઠાણાંઓ તેમ જ ભ્રામક નિવેદનો તેમ જ ખોટી સૂચનાઓ પ્રસારિત કરવા બદલ ભારતે પાકિસ્તાની ચૅનલોની વિરુદ્ધ આ પગલું ભર્યું છે.
ભારતમાં ખાસ કરીને શોએબ અખ્તર, બાસિત અલી તેમ જ શાહિદ આફ્રિદીના યુટ્યૂબ અકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે શાહિદ આફ્રિદીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હજી પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની ફિલ્મ અભિનેતા અલી જફર, માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ભારતમાં બ્લૉક કરી દેવામાં આવ્યા છે. ભાલાફેંકના ઑલિમ્પિક ચૅમ્પિયન ખેલાડી અર્શદ નદીમનું ઇન્સ્ટા અકાઉન્ટ પણ ભારતમાં બ્લૉક કરી દેવાયું છે.
આ પણ વાંચો…ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો; આ યુટ્યુબર્સને ફટકો