
મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સહિત વિવિધ દેશના હૅકિંગ ગ્રૂપ દ્વારા ભારતીય સિસ્ટમ્સ પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા હોવાની નોંધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે કરી છે.
રાજ્ય પોલીસની સાયબર ક્રાઇમ ડિટેક્શન વિંગ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા નોંધ કરાઇ હતી કે પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલાની ઘટના બાદ ડિજિટલ હુમલાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલા બાદ દુનિયાભરમાં પડઘા પડી રહ્યા છે. ભારત દ્વારા તેની સામે જવાબી કાર્યવાહી કરાઇ છે ત્યારે બીજી તરફ 10 લાખથી વધુ હુમલા ભારતીય સિસ્ટમ્સ પર કરવામાં આવ્યા છે, એમ મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ચશસ્વી યાદવે જણાવ્યું હતું.
ખાસ કરીને આ હુમલા પાકિસ્તાન, મધ્ય પૂર્વ, ઇન્ડોનેશિયા અને મોરોક્કોથી ભારતીય વેબસાઇટો અને પોર્ટલ પર કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
ઘણા બધા હૅકિંગ ગ્રૂપ્સે ઇસ્લામી જૂથો હોવાનો દાવો કર્યો છે. આ સંભવિત રીતે સાયબર યુદ્ધપાત હોઇ શકે છે.
દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા આમાંથી ઘણા સાયબર હુમલાઓને સફળતાથી નાથવામાં આવ્યા છે. આવા હુમલાઓ ટાળવા માટે અહોરાત નજર રખાઇ રહી છે અને સાયબર પોલીસ ખડેપગે કામ કરી રહી છે. બીજી તરફ નોડલ ઓફિસ દ્વારા તમામ સરકારી વિભાગો માટે એડવાઇઝરી તૈયાર કરાઇ છે. તેમને તેમનું સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે જણાવાયું છે.
નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના પહલગામ નજીક બેસરન ખાતે આતંકવાદીઓએ અચાનક હુમલો કરતાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના પર્યટકો હતા.
આ પણ વાંચો…ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટઃ “આતંકિસ્તાન” કેટલા મોરચે લડશે?