લાડકી

મમતાના ટોપલેસ ફોટો શૂટ બાદ એની ફિલ્મી કરિયરે સ્પીડ પકડી…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 2)
નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરી
સમય: 24 જાન્યુઆરી, 2025
સ્થળ: પ્રયાગરાજ
ઉંમર: 52 વર્ષ

હું ગ્રેજ્યુએટ થઈ એ વર્ષે જોબ શોધવાની શરૂ કરી, જોકે મારી મમ્મીની ઈચ્છા હતી કે, હું આગળ ભણું. એનું માનવું હતું કે, આજના સમયમાં માત્ર ગ્રેજ્યુએશનનું કોઈ મૂલ્ય નથી. મારા પિતાએ મને કોઈ દિવસ ‘દીકરી’ની જેમ ઉછેરી નથી, બલકે મને કારકિર્દી પસંદ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી.

હું કોલેજમાં હતી ત્યારે અમારા કેમ્પસમાં બે એડ ફિલ્મો શૂટ થઈ. એમને થોડા જુનિયર કલાકારો જોઈતા હતા. એમણે અમારા કેમ્પસમાંથી જ કેટલાક યુવાન છોકરા-છોકરીઓને પસંદ કર્યા, હું એમાંથી એક હતી. એક જ દિવસના મને 1500 રૂપિયા મળ્યા. હું ખુશ થઈ ગઈ! મેં મારી મમ્મીને એ પૈસા આપ્યા, અને કહ્યું, ‘આ તો મજાની દુનિયા છે. પ્રસિધ્ધિ પણ મળે ને પૈસા પણ.’ જોકે, મારી મમ્મીને આ વાત બહુ ગમી નહોતી. એ ઈચ્છતી હતી કે, હું ભણું કારણ કે, હું ભણવામાં તેજસ્વી હતી.

હું ફિલ્મોમાં કામ ન કરું એવી મારી મમ્મીની ઈચ્છા હતી એનું બીજું પણ એક કારણ હતું. 70ના દાયકામાં રામાનંદ સાગર મારી મમ્મીને અભિનેત્રી તરીકે લોન્ચ કરવા માગતા હતા.

આપણ વાંચો: રાજીનામું આપ્યા બાદ યુ ટર્ન, મમતા કુલકર્ણી ફરીથી મહામંડલેશ્વર બન્યા…

મારી માએ એ વખતે એમને ના પાડી કારણ કે, એના લગ્ન થવાનાં હતાં. મારી માને એવો ભય પણ હતો કે, મારી બે બહેનો મારા પછી જો ફિલ્મમાં જવાની જીદ કરે તો એ અઘરું પડી જાય. ફિલ્મ લાઈનમાં સૌ સફળ નથી થતા એ વાત મારી માને બરાબર ખબર હતી.

વળી, મધ્યમવર્ગીય ગૃહિણી હોવાને કારણે એને ફિલ્મ લાઈન વિશે કેટલાક ભય પણ હતા. જોકે, મેં ફિલ્મોમાં જવાનો નિર્ણય કરી લીધો હતો. એ સમયે મારી બે ફિલ્મો ‘કોર્ટ માર્શલ’ અને ‘જીવન સાત સૂરો કા સંગમ’ ફ્લોર પર ગઈ, પણ પૂરી ન થઈ. મારી મમ્મીને વધારે લાગ્યું કે, મારે કારકિર્દી બનાવવામાં ધ્યાન આપવું જોઈએ અને ફિલ્મોમાં મારો રસ ઘટાડવો જોઈએ.

એ સમયે મેહુલ કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, ‘તિરંગા’. એ ફિલ્મમાં કેટલાક યુવા અને નવા કલાકારોની જરૂર હતી. જે કંપનીની એડ ફિલ્મમાં મેં કામ કર્યું હતું એ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે દિગ્દર્શક મેહુલ કુમારને કેટલીક તસવીરો મોકલી જેમાં મારી તસવીર પણ હતી.

આપણ વાંચો: મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપ્યું, વીડિયોમાં શું કહ્યું?

મને ઓડિશન માટે બોલાવવામાં આવી. મેં ઘેર વાત કરી. મારા પિતાએ તરત જ હા પાડી. મારી મમ્મીએ થોડું અચકાઈને, પણ ‘હા’ તો પાડી! મને પહેલા જ ઓડિશનમાં પસંદ કરી લેવામાં આવી. હું ખુશખુશાલ ઘરે આવી, મેં મારી મમ્મીને કહ્યું, ‘મને ફિલ્મ મળી ગઈ છે. હું હિરોઈનનો રોલ કરવાની છું.’

પહેલાં તો એણે માન્યું નહીં, પણ જ્યારે વર્કશોપ શરૂ થયા ત્યારે એ મારી સાથે આવવા લાગી. આ 1990ની વાત છે. હું 18 વર્ષની હતી, અને મારી મમ્મીને લાગતું હતું કે, હું ફિલ્મી દુનિયાના માહોલમાં મારી જાતને સંભાળી નહીં શકું. એનો ભય ખોટો નહોતો. એ વખતે ફિલ્મી દુનિયા વિશે જે વાતો વહેતી એમાં છોકરીઓ સાથે થયેલા ગેરવર્તનની, કાસ્ટિંગ કાઉચની ગોસિપ્સ ચાલ્યા કરતી.

‘સ્ટારડસ્ટ’ અને ‘ફિલ્મફેર’ જેવાં મેગેઝિન્સમાં ફિલ્મ સ્ટાર્સના લફરાંના સમાચાર છપાતા. મરાઠી છાપામાં એના અનુવાદ પ્રકાશિત થતા. મારી મા જેવી સામાન્ય ગૃહિણીઓ આ વાંચીને ડરી જાય, એ સ્વાભાવિક હતું. મેહુલ કુમાર એક ખૂબ સારા અને સજ્જન વ્યક્તિ પૂરવાર થયા. એમના સેટ પર જે ડિસિપ્લિન હતી એ જોઈને મારી માને સહેજ હાશકારો થયો!

આપણ વાંચો: મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શકયતા, અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું

એ ફિલ્મમાં મને રાજકુમાર, નાના પાટેકર, અને હરીશ કુમાર જેવા અનુભવી અને પીઢ કલાકારો સાથે કામ કરવાની તક મળી. સેટ પર પુષ્કળ ડિસિપ્લિન રહેતી. રાજકુમારજી બને ત્યાં સુધી કોઈ સાથે વાત ન કરતા. એ ફિલ્મમાં મારી ઓળખાણ વર્ષા ઉસગાંવકર સાથે થઈ. વર્ષા અને નીતિશ ભારદ્વાજ (મહાભારતના કૃષ્ણ)નો અફેર છેલ્લા 10 વર્ષથી ચાલતો હતો.

1990ના વર્ષમાં એમની વચ્ચે ઝઘડા થવાના શરૂ થયા. એ જ ગાળામાં વર્ષાએ ફિલ્મો સાઈન કરવા માંડી હતી. નીતિશ થોડા પઝેસિવ પ્રકારના માણસ હતા, એ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતા નહોતા.

એના પરિવારને પણ કદાચ અભિનેત્રી પુત્રવધૂ તરીકે સ્વીકાર્ય નહોતી. એ જ ગાળામાં નીતિશ ‘ફેમિના’ મેગેઝિનના તંત્રી વિમલાતાઈ પાટીલની દીકરી મોનિસા પાટીલને પણ ડેટ કરવા લાગ્યા હતા. વર્ષાને આ સંબંધની જાણ થઈ ગયેલી.

વિમલાતાઈ નીતિશને અનેક કામ અપાવવા લાગ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના મેગેઝિન ‘ફેમિના’ના એડિટર વિમલાતાઈએ નીતિશ માટે-પોતાની દીકરી માટે સાઉથ મુંબઈમાં એક ફ્લેટ પણ ખરીદ્યો. આ બધી વાતની જાણ થતાં જ વર્ષાએ નીતિશ સાથેનો સંબંધ તોડી નાખ્યો.

આપણ વાંચો: ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…

વર્ષા પોતાના નવ વર્ષ જૂના લગભગ લિવઈન જેવા સંબંધના બ્રેકઅપમાંથી પસાર થતી હતી ત્યારે અમે ‘તિરંગા’ શુટ કરતા હતા. હું નાની હતી, પણ મારામાં જીવનની સમજ કદાચ વર્ષા કરતાં વધુ હતી, કારણ કે મારી માએ સંબંધો વિશે અમને સૌને-ત્રણેય બહેનોને, ખૂબ પરિપક્વ સમજણ આપી હતી.

મેં વર્ષાને સમજાવી, ‘તું એના સેટ ઉપર પહોંચી જઈશ કે તમાશો કરીશ એથી કોઈ ફાયદો નહીં થાય.’ (જોકે, એ પહેલાં વર્ષા આ બધું કરી ચૂકી હતી. તારે જો ખરેખર આ સંબંધમાંથી બહાર આવવું હોય તો એનો પીછો કરવાનું, એના વિશે વિચારવાનું અને એના ફોન રિસીવ કરવાનું બંધ કરી દે.) ત્યારે સેલફોન નહોતા, એટલે નીતિશને વાત કરવી હોય તો એણે વર્ષાના ઘરે અથવા સ્ટુડિયોના ફોન પર જ વાત કરવી પડે. વર્ષાએ એના બોયને કહી દીધું કે, નીતિશના ફોન એના સુધી આવવા ન જોઈએ. વર્ષાએ પોતાના ઘરે પણ નીતિશ સાથેના સંબંધની વાત જણાવી દીધી હતી, એટલે એને થોડી તકલીફ પડી, પરંતુ એ ધીરે ધીરે એ સંબંધમાંથી નીકળી ગઈ.

એ મારો આભાર માનતી રહી, જોકે, ‘તિરંગા’ રિલીઝ થઈ ત્યાં સુધીમાં અમારી મિત્રતામાં પણ તિરાડ પડી ગઈ હતી કારણ કે, ‘તિરંગા’માં એના કરતાં મારો રોલ લાંબો હતો. વર્ષાના ઘણા સીન કપાઈ ગયા. એને લાગ્યું કે, મેં આમાં ચાલાકી કરી હતી.

એણે મેહુલ કુમાર સાથે મારા સંબંધો વિશે પણ એક ઈન્ટરવ્યૂમાં આક્ષેપ કર્યા… મારા માતા-પિતાને આ વાંચીને ખૂબ આઘાત લાગ્યો, પરંતુ મેં એમને સમજાવ્યા. એમને ધીરે ધીરે સમજાયું કે, આવા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો, ખોટી-સાચી ગોસિપ ફિલ્મી દુનિયાનો એક ભાગ છે.

‘તિરંગા’ એક સારી, હિટ ફિલ્મ પૂરવાર થઈ. એ પછી તરત જ મને એક ક્ધનડ અને તેલુગુ ફિલ્મની ઓફર આવી. મેં એમને જણાવ્યું કે, મને ક્ધનડ કે તેલુગુ નથી આવડતું, પણ એ લોકોએ સામે મને સમજાવી કે, એ તો ડબિંગ થઈ જશે. મેં બંને ફિલ્મો કરી. એ ફિલ્મો પણ હિટ થઈ. એ પછી મેં ‘આશિક આવારા’ ફિલ્મ કરી. એ ફિલ્મ માટે મને લક્સ તરફથી ‘ફિલ્મફેર લક્સ ન્યૂ ફેસ એવોર્ડ’ મળ્યો, અને સૈફ અલી ખાનને બેસ્ટ ડેબ્યૂ મેલ એક્ટરનો એવોર્ડ મળ્યો.

‘આશિક આવારા’ બહુ સફળ ફિલ્મ નહોતી, પરંતુ એ પછી મને ધડાધડ ફિલ્મો મળવા લાગી. 1994માં ‘અનોખા પ્રેમયુધ્ધ,’ ‘બેતાજ બાદશાહ’, ‘ગેંગસ્ટર’, ‘દિલબર’, ‘ક્રાંતિવીર’, ‘વાદે ઈરાદે’, ‘આંદોલન’ અને ‘બાઝી’ જેવી ફિલ્મો રિલીઝ થઈ. મને સારી એવી પ્રસિધ્ધિ મળી.

જોકે, મને ધડાધડ ફિલ્મો મળી નહીં. એ સમયે એક ફોટોગ્રાફર જયેશ શેઠ મને મળ્યો. એણે મને ઓફર આપી કે, જો હું ટોપલેસ (શરીરના ઉપરના ભાગમાં કશું પહેર્યા વગર) ફોટોશુટ કરાવું તો એ મને ‘સ્ટારડસ્ટ’નું કવર પેજ અપાવશે. મારી કારકિર્દીને એક ઠુમકાની જરૂર હતી. હું કદી કોઈનાથી ડરી નથી.

મારા નિર્ણયો મેં જ કર્યા છે. મેં જયેશને ‘હા’ પાડી. અમે એના સ્ટુડિયોમાં ટોપલેસ ફોટોશુટ કર્યું. જીન્સની ઉપરના ભાગે કશું જ પહેર્યા વગર, મેં પડાવેલા ફોટા સપ્ટેમ્બર, 1993ના ‘સ્ટારડસ્ટ’ના કવરપેજ પર છપાયા અને અંદર એક સ્પેશિયલ ફોટો-ફિચર પણ પ્રકાશિત થયું.

મારા ઉપર અશ્ર્લીલતાનો કેસ કરવામાં આવ્યો. હું હિંમતથી કોર્ટમાં હાજર થઈ અને મેં મારી કેફિયતમાં કહ્યું, ‘ગઈકાલ સુધી મને કોઈ ઓળખતું નહોતું. આજે ‘સ્ટારડસ્ટ’ના કવર પેજ ઉપર મારા ફોટા છપાયા એટલે હવે સૌ મને ઓળખે છે. મારું શરીર છે, મને ગમે એમ ફોટા પડાવું, કેસ તો મેગેઝિન પર થવો જોઈએ, કે એમણે આવા ફોટા છાપ્યા.’

મુંબઈના દરેક અખબારમાં મારું સ્ટેટમેન્ટ છપાયું. અનેક મહિલા સંસ્થાઓએ પણ એ વિશે ઉહાપોહ કર્યો… મને કંઈ ફરક ન પડ્યો! બલકે પછી મારી કરિયરે સીધી ફ્લાઈટ પકડી. મને ધડાધડ ફિલ્મો મળવા લાગી. એ એક નાનકડી કોન્ટ્રોવર્સીએ ભારતના લગભગ દરેક ઘરમાં ‘મમતા કુલકર્ણી’ની એક ઓળખ ઊભી કરી દીધી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button