દેશમાં ફરી પહેલગામ જેવો થઈ શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ

નવી દિલ્હીઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક આવા જ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે, લશ્કર-એ-તૈયબા ખતરનાક હુમલો કરવાની તૈયારીમાં છે. આ વખતે ટાર્ગેટ કિલિંગ સાથે મોટો આતંકી હુમલો થઈ શકે છે.
દક્ષિણ કાશ્મીર મૉડ્યૂલના નિશાન પર છે. આ વખતે પણ આતંકીઓના નિશાન પર ટુરિસ્ટ પ્લેસ જ હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓને ટુરિસ્ટ પ્લેસની સુરક્ષા વધારવાનું કહેવાયું છે. કાશ્મીરમાં વધુ એક હુમલાની આશંકા વચ્ચે ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ રહેવા જણાવાયું છે. ઉપરાંત સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખૂણે ખૂણા પર સુરક્ષાકર્મીઓ નજરે પડી રહ્યા છે. સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લશ્કરના આતંકવાદી શાહિદ અહેમદના ઘરને પણ સુરક્ષા દળોએ ઉડાવી દીધું હતું. શાહિદ અહેમદનું ઘર શોપિયાના છોટીપોરા વિસ્તારમાં હતું. પહેલગામ હુમલા પછી, અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ કુલ પાંચ આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ કાશ્મીર પહોંચ્યા
પહેલગામ આતંકવાદી હુમલા પછી પહેલી વાર, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. તેમણે ત્યાંની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. ભારતીય સેના પ્રમુખને આતંકવાદીઓ સામે સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો…ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…