ટોપ ન્યૂઝનેશનલ

કાળઝાળ ગરમીમાં શેકાવા રહો તૈયાર! વોર્મ નાઇટ અને હીટવેવનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. એપ્રિલ મહિનામાં જ મે અને જૂન જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક રાજ્યોમાં લૂનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં દિવસની સાથે રાત્રે પણ ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગ દ્વારા પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, વિદર્ભમાં લૂનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, છત્તીસગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બિહાર, ઓડિશામાં વોર્મ નાઇટનું એલર્ટ આપ્યું છે. ઉપરાંત ગુજરાત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, રાયલસીમા, ઝારખંડ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈલમાં કાળઝાળ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડશે અને પવનનું જોર પણ વધુ રહેશે.

આ વર્ષે ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે

ચોમાસામાં પણ ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને પવનની ગતિ વધુ રહેશે. આ વખતે ચોમાસામાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ શકે છે.

આ પણ વાંચો…ત્રિપુરામાં ભારે વરસાદના કારણે તબાહીઃ 400થી વધુ મકાનને થયું નુકસાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button