વિલે પાર્લેના દેરાસરને નિયમિત કેવી રીતે કરી શકાય તેનો રસ્તો શોધો: ફડણવીસ
દેરાસરને તોડી પાડનારા સામે ગુનો નોંધવાનો લઘુમતી પંચનો નિર્દેશ

મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાનો વિવાદ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતા તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીને આ દેરાસરને કેવી રીતે નિયમિત કરી શકાય એના રસ્તા શોધી કાઢવા જણાવ્યું હોવાથી અહીં ફરી દેરાસર નિર્માણનો રસ્તો ખુલી ગયો હોવાનું જણાઈ રહ્યું છે.
બીજી તરફ દેરાસર સાથે સંકળાયેલા લોકો દ્વારા રાજ્ય લઘુમત પંચ સમક્ષ નોંધવેલી ફરિયાદની સુનાવણી મંગળવારે કરવામાં આવી ત્યારે લઘુમતી પંચે પૂરતો સમય આપ્યા વગર દેરાસરને તોડી પાડવાની ઉતાવળ કરનારા અધિકારીઓવિરુદ્ધ ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તેમ જ સંબંધિત સોસાયટી પરિસરમાં આવેલા અન્ય કથિત ગેરકાયદે બાંધકામ સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી હતી.
ગયા બુધવારે પાલિકાના અધિકારી-કર્મચારીઓ દ્વારા દેરાસરને તોડી પાડવા દરમ્યાન મહિલા શ્રાવકો સાથે ધક્કામુક્કી કરીને થયેલા ગેરવ્યહાર તથા ભગવાનની મૂર્તિની વિડંબના અને ધાર્મિક ગ્ંરથોના કરાયેલા અપમાનને લઈને મંગળવારે સવારના લઘુમતી પંચમાં સુનાવણી થઈ હતી, તેમાં પંચે સંબંધિત અધિકારીઓ સામે પોલીસમાં ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો હતો અને આ પ્રકરણમાં દોષી કોણ છે તેની તપાસ કરવા માટે પણ કહ્યું હતું.
દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે લઘુમતી પંચ સમક્ષ થયેલી સુનાવણી દરમ્યાન સોસાયટીના પરિસરમાં રહેલા અન્ય અનધિકૃત બાંધકામ સંંબંધી અગાઉ કરવામાં આવેલી અરજી પર પાલિકાને અભ્યાસ કરીને તે કાયદેસરના છે કે ગેરકાયદે તેની તપાસ કરવા માટેનો પણ નિર્દેશ આપ્યો હતો.
લઘુમતી પંચમાં સુનાવણી બાદ દેરાસરના ટ્રસ્ટીગણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી એ દરમ્યાન મુખ્ય પ્રધાને પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને આ દેરાસરને નિયમિત કઈ રીતે કરી શકાય તે બાબતે તાબડતોબ પગલા લેવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો…ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા