આમચી મુંબઈ

કેબિનેટ મિટિંગ માટે મહાયુતિનો 150 કરોડનો ખર્ચ: કોંગ્રેસનો આરોપ

1.5 કરોડને બદલે ભૂલમાં 150 કરોડ છપાયા હોવાનો સરકારનો ખુલાસો

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરેબંધુ સાથે સાથે કાકા-ભત્રીજા (શરદ પવાર-અજિત પવાર) એક થવાની અટકળોએ જોર પકડ્યું છે ત્યારે આજે રાજ્યમાં કેબિનેટની મીટિંગ મુદ્દે મહાયુતિના ખર્ચા મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ મોટો આરોપ કર્યો હતો, પરંતુ સરકારને તેના અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે શાસક મહાયુતિ ગઠબંધન પર આકરા પ્રહાર કરી આરોપ મૂક્યો હતો કે તે અહલ્યાનગર જિલ્લામાં કેબિનેટની બેઠકની તૈયારી પર 150 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર

આ સંદર્ભે ભાજપના નેતૃત્વવાળી સરકારે સ્પષ્ટતા કરી હતી કે તેણે સૂચિત કેબિનેટ બેઠક માટે 1.5 કરોડ રૂપિયાના કામના ટેન્ડર માટે જાહેરાત આપી હતી, પરંતુ આ રકમ ભૂલથી 150 કરોડ રૂપિયા તરીકે છપાઈ હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં સપકાળે અખબારોમાં પ્રકાશિત ટેન્ડર નોટિસ જોડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મંડપો, સ્ટેજ, ગ્રીન રૂમ, ટોઇલેટ, વાડ, સાઉન્ડ, એર કન્ડિશનર, વીજળી, ફાયર બ્રિગેડ અને બેઠક માટે રખાયેલા સીસીટીવી પર 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ઈ ટેન્ડર 24 એપ્રિલે બહાર પાડવામાં આવશે એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

18મી સદીના સુપ્રસિદ્ધ માલવા રાણી અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મ સ્થળ ચોંડીમાં 29 એપ્રિલે કેબિનેટની બેઠક યોજાવાની છે, તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા ગયા વર્ષે, પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લા અહમદનગરનું નામ બદલીને અહલ્યાનગર કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ

કોંગ્રેસ નેતાએ પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકારે કહ્યું હતું કે રાજ્ય આર્થિક મુશ્કેલીમાં છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે મહાયુતિ સરકારે વરિષ્ઠ નાગરિકો માટે તીર્થયાત્રા યોજના બંધ કરી દીધી છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપેલા વચન મુજબ મહિલાઓ માટેની લાડકી બહિણ યોજના હેઠળ ભથ્થામાં વધારો નથી કર્યો અને ખેતીની લોન માફ કરવાનો ઇનકાર કર્યો છે.

જાહેર બાંધકામ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ જાહેરખબર માટે રિલિઝ ઓર્ડર જારી કરતી વખતે સ્પષ્ટ પણે જણાવાયું હતું કે તેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ટેન્ડર મુદ્દે સપકાળેની સરકારની ટીકા “બાલિશ” ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button