અજિત પવારે શાળાઓમાં હિન્દીના વિરોધની ઝાટકણી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાના પગલાનો વિરોધ કરવા બદલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજકીય પક્ષોની ટીકા કરી છે.
તેમણે કહ્યું હતું કે આ નિર્ણયનો વિરોધ કરનારાઓ ‘વાસ્તવિક મુદ્દાઓના અભાવે બિનજરૂરી વિવાદો’ ઉભા કરી રહ્યા છે.
ગુરુવારે પિંપરી ચિંચવડમાં ચાફેકર ભાઈઓને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પવારે જણાવ્યું હતું કે, ‘મરાઠી આપણી માતૃભાષા છે અને રાજ્યમાં હંમેશા પ્રથમ પસંદગી રહેશે.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી: હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા
બુધવારે રાજ્યના શાળા શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ની ભલામણોના આધારે નવા અભ્યાસક્રમના તબક્કાવાર અમલનો ઉલ્લેખ કરતો સરકારી ઠરાવ બહાર પાડ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે, જે બે ભાષાઓનો અભ્યાસ કરવાની પ્રથાથી અલગ છે. ટીકાકારો પર પ્રહાર કરતા પવારે કહ્યું હતું કે, ‘કેટલાક લોકો હિન્દી ભાષા પર ફક્ત એટલા માટે વિવાદ ઉભા કરી રહ્યા છે કારણ કે તેમની પાસે બીજું કંઈ કરવાનું નથી. દેશભરમાં અંગ્રેજીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તેવી જ રીતે, ઘણા રાજ્યોમાં હિન્દી બોલાય છે. જ્યારે હિન્દી ‘રાષ્ટ્ર ભાષા’ છે કે નહીં તે અંગે વિવાદ છે, હું તેમાં પડવા માંગતો નથી.’
આ પણ વાંચો: હિન્દી-મરાઠી વિવાદ વધુ વકર્યો; હિન્દી બોલતા વ્યક્તિ સાથે ઝપાઝપી, મુંબઈ બાદ હવે પુણેથી VIDEO વાયરલ
પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રણેય ભાષાઓ – મરાઠી, હિન્દી અને અંગ્રેજી – મહત્વપૂર્ણ છે, પરંતુ મરાઠી હંમેશા રાજ્યમાં પ્રાધાન્ય રાખશે. મરાઠી અકબંધ રહેવી જોઈએ અને વધતી રહેવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ભાષાને પ્રોત્સાહન આપવામાં કેન્દ્રની ભૂમિકા પર પ્રકાશ પાડતા પવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હતા જેમણે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણય દિલ્હીમાં વર્ષોથી પડતર હતો. એનડીએ સરકારે તેને સાકાર કરવાની હિંમત બતાવી. તેમણે ઉમેર્યું હતું કે ભાષાને વધુ પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં મરાઠી ભાષા ભવન સ્થાપવાની યોજના ચાલી રહી છે.