આઇટી પ્રોફેશનલ સાથે 1.96 કરોડની છેતરપિંડી: ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ સાયનના રહેવાસી સામે ગુનો

થાણે: આઇટી પ્રોફેશનલ સાથે 1.96 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાયા બાદ ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ સાયનના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે સાયનમાં રહેતા અજિંક્ય અશોક મોહિતે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 123 (ઝેર આપી મારવાનો પ્રયાસ), 318 (4) (છેતરપિંડી) અને અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આપણ વાંચો: સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર, ટેક-સેવી પોલીસની જરૂર: દેવેન્દ્ર ફડણવીસ
પોલીસના જણાવ્યા મુજબ જુલાઇ, 2022થી ફેબ્રુઆરી, 2025 દરમિયાન આ ઘટના બની હતી. થાણેના 43 વર્ષના આઇટી પ્રોફેશનલ સાથે મોહિતેએ મિત્રતા કરી હતી અને બાદમાં રત્નાગિરિના ચિપલૂણમાં જમીનમાં રોકાણ કરવા માટે તેને મનાવી લીધો હતો.
મોહિતેએ પીડિત પાસેથી 92.7 લાખ રૂપિયા લીધા હતા. બાદમાં તેને ભાવનાત્મક રીતે ભોળવી દીધો, બ્લેકમેઇલ કર્યો અને મિલકતના દસ્તાવેજો સોંપી દેવા તેને ધમકી આપી હતી. આરોપીએ પીડિત પાસેથી 1.03 કરોડ રૂપિયાના સોનાના સિક્કા પણ લીધા હતા.
આપણ વાંચો: રોકાણકારો સાથે દોઢ કરોડની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો
ફરિયાદ અનુસાર મોહિતેએ પીડિતના શરાબમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી દીધો હતો અને પોતાને નામે વિલ તૈયાર કરવા માટે મજબૂર કર્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ જણાવે છે કે પીડિતને ઘેન અને ઝેરી અસર માટે ટ્રાયસાઇક્લિક એન્ટિડિપ્રેસન્ટ્સ અને બાર્બિચ્યુરેટ્સ આપવામાં આવ્યાં હતાં.
અમે નાણાકીય વ્યવહારો, તબીબી અહેવાલો અને સાક્ષીદારોના નિવેદન તપાસી રહ્યા છીએ. હજી સુધી કોઇને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)