ખુલ્લામાં કચરો બાળવા બદ્લ બેસ્ટને ૧,૦૦૦ રૂપિયાનો દંડ…

મુંબઈ: ગોરેગામ (પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન બહાર આવેલા બેસ્ટના ડેપોમાં સૂકો કચરો બાળવા બદ્લ મુંબઈ મહાનગરપાલિકાએ બેસ્ટ ઉપક્રમને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સાર્વજનિક સ્થળે ખુલ્લામાં કચરાને બાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારાને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ દરમ્યાન ગોરેગામ સ્ટેશન બહાર આવેલા બેસ્ટના ડેપોની ખુલ્લી જગ્યામાં રોજ સૂકો કચરો બાળવામાં આવતા હોવાનો અને તેને કારણે પ્રદૂષણ થવાની સાથે જ સ્થાનિક નાગરિકોને નીકળતા ધુમાડાને કારણે ત્રાસ થતો હોવાની ફરિયાદ પાલિકાને કરવામાં આવી હતી.
તેની નોંધ લઈને પાલિકા દ્વારા ગોરેગામ(પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન બહાર આવેલા બેસ્ટ ડેપોના સુપરવાઈઝરને ઝાડના સૂકા કચરા બાળીને પ્રદૂષણ કરવા બદલ ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમ જ ફરી કચરો બાળવાની ફરિયાદ આવી તો આકરા પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.