ભરૂચમાં ગટરમાંથી માનવ અંગ મળવાનો ભેદ ઉકેલાયો, મિત્રએ ફોનમાંથી પત્નીના ફોટા ડિલિટ ન કરતાં કરી હત્યા

ભરૂચઃ ભાલોવ વિસ્તારમાં 29 માર્ચે ગટરમાંથી અજાણી વ્યકિતનું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા અને ત્રીજા દિવસે હાથ મળ્યો હતો. ગટરમાંથી માનવ અંગો મળતા પોલીસ ચોંકી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતા સચિન ચૌહાણ નામના યુવકના હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક ગુમ થયાની 29 માર્ચે જ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના અને ભરૂચમાં રહેતા સચિન ચૌહાણની તેના જ મિત્ર શૈલૈન્દ્ર ચૌહાણ હત્યા કરીને લાશના 9 ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આરોપી શૈલેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી હતી.
કેમ મિત્રએ મિત્રની કરી કરપીણ હત્યા
શૈલેન્દ્ર ચૌહાણની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, મૃતક સચિન અને તે એક જ ગામના વતની છે. બંનેમાં મિત્રતા હતી અને શૈલેન્દ્રની પત્ની પણ તેમના જ વિસ્તારની હતી. સચિનના મોબાઈલમાં તેની પત્નીના કેટલાક વાંધાજનક ફોટા હતા. જે તેને વારંવાર બતાવીને બ્લેકમેલ કરતો હતો. જેને લઈ તે ગુસ્સામાં હતો. સચિન તેની પત્ની અને પુત્રને વતન મુકીને ભરૂચ પરત ફર્યો હતો. આ સમયે મોકો જોઈને શૈલૈન્દ્રએ તેને તેના ઘરે જમવા બોલાવ્યો હતો.
આ પણ વાંચો : ભરુચમાં બળાત્કારનો આરોપી જામીન પર બહાર નીકળતા ફરી આચર્યું દુષ્કર્મ
જમીને બંને ઉંધી ગયા હતા. રાત્રે સેણે સચિનનો મોબાઈલ લીધો હતો અને તેમાંથી તેની પત્નીના ફોટા ડીલિટ કરતો હતો ત્યારે સચિન જાગી ગયો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ સમયે તે રસોડામાંથી ચાકુ લઈને આવ્યો હતો અને સચિન પર તૂટી પડ્યો હતો. જેના કારણે સચિન લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો. સચિનની હત્યા બાદ તેણે મૃતદેહ એક દિવસ માટે ઘરમાં જ રાખ્યો હતો.
સ્ત્રી વેશ ધારણ કરી માનવ અંગોનો કર્યો હતો નિકાલ
બીજા દિવસે તે નોકરી પર ગયો હતો અને પરત આવતી વખતે લાકડા કાપવાની કરવત લેતો આવ્યો હતો. આ કરવતથી તેણે સચિનના મૃતદેહના 9 ટુકડા કર્યા હતા અને ગટરમાં ફેંકી દીધા હતા. કોઈને શંકા ન જાય તે માટે રાત્રે સ્ત્રી વેશ ધારણની એક્ટિવા પર મૃતદેહના ટુકડા લઈને નીકળતો હતો. પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.