જય શાહનો પી. એ. બનીને ફરતો યુવાન પકડાયો

હરિદ્વારઃ ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાંથી છેતરપિંડીનો એક અજબ કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક ચીટરે સૌ કોઈને ચોંકાવી દીધા છે.
છેતરપિંડી કરનાર આ માણસ થોડા સમયથી પોતાને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય શાહના પર્સનલ અસિસ્ટન્ટ (પી. એ.) તરીકે ઓળખાવવાની મોજમાં મસ્ત હતો, પરંતુ પોલીસે છેવટે તેને પકડી લીધો છે.
અમરિન્દર સિંહ નામના આ શખસ પાસેથી પોલીસે બનાવટી બીસીસીઆઇ કાર્ડ જપ્ત કર્યું છે. આ હાઇ-પ્રોફાઇલ ગુનાની જાણકારી ખુદ પોલીસે મીડિયાને આપી છે.
આ પણ વાંચો: જય શાહના અનુગામી સૈકિયા વ્યાવસાયે વકીલ, શેલાર પછીના ખજાનચી ભાટિયા બિયરના બિઝનેસમાં…
અમરિન્દર થોડા દિવસોથી હરિદ્વારની એક હોટેલમાં પોતાને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર તથા બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના પી. એ. તરીકે ઓળખાવતો હતો.
અમરિન્દર પંજાબના ફિરોઝપુરનો રહેવાસી છે. તે જય શાહના નામે ચીટિંગ કરીને હોટેલમાં રહેવાનો તેમ જ અન્ય સુવિધાઓનો લાભ મેળવતો હતો. તેની પાસેથી જે બનાવટી કાર્ડ મળ્યું છે એમાં જય શાહ સાથેનો તેનો ફોટો છે. હોટેલમાં તે કેટલીક ગેરકાનૂની માગણીઓ કરતો હતો તેમ જ શંકાશીલ મીટિંગો પણ રાખતો હતો.
જોકે હોટેલના સ્ટાફને તેની કરતૂત પરથી છેવટે શંકા જતા પોલીસને તેના વિશે વાકેફ કરી હતી અને તપાસ થતાં તે ચીટર સાબિત થયો હતો.
અમરિન્દરનો ભૂતકાળનો કોઈ ગેરકાનૂની રેકૉર્ડ છે કે નહીં એ તપાસવામાં આવી રહ્યું છે.