મ.પ્ર.ના સિધીમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઠનાં મોત…

સિધીઃ મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં સોમવારે સવારે એક ટ્રક અને સ્પોટર્સ યુટિલિટી વ્હીકલ(એસયુવી) વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે આપી હતી.
નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી તિવારીના જણાવ્યા અનુસાર આ અકસ્માત સવારે ૨-૩૦ વાગ્યાની આસપાસ સિધી-બહરી રોડ પર ઉપની પેટ્રોલ પંપ પાસે થયો હતો. અધિકારીએ જણાવ્યું કે એસયુવીમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સિધીના પોલીસ અધિક્ષક(એસપી) રવિન્દ્ર વર્માએ જણાવ્યું કે ૧૪ ઘાયલોમાંથી નવને વધુ સારવાર માટે રેવા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોની સિધી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Also read : Bihar ના ભોજપુરમાં જ્વેલરી શોરૂમમાં કરોડો રૂપિયાની લૂંટ, પોલીસે બે આરોપીને પગે ગોળી મારીA
તિવારીએ જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વર્માએ જણાવ્યું કે અકસ્માત સમયે એસયુવીમાં સવાર લોકો એક બાળકના મુંડન સમારોહ માટે મૈહર જઇ રહ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એસયુવી ખોટી દિશામાંથી આવી રહી હતી જેના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે.
મુખ્ય પ્રધાન મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમે એક નિવેદનમાં જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રી વિવેકાધીન ભંડોળમાંથી રૂા. ૨ લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂા. ૧ લાખ અને અન્ય ઘાયલોને રૂા. ૫૦-૫૦ હજારની નાણાકીય સહાય મંજૂર કરવા સૂચના આપવામાં આવી છે.