
નવી દિલ્હીઃ મુસ્લિમોના સૌથી પવિત્ર મહિના રમઝાનનો 2 માર્ચથી આરંભ થશે. દિલ્હી સહિત દેશના કોઈ પણ રાજ્યમાં શુક્રવારે રમઝાનનો ચાંદ જોવા મળ્યો નહોતો. 2 માર્ચના દિવસે પ્રથમ રોઝા રાખવામાં આવશે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. આ ઉપરાંત શબ-એ-બારાતથી 14 દિવસના રમઝાન શરૂ થાય છે. રમઝાન મહિનો ચાંદ દેખાવા સાથે શરૂ થાય છે.
દિલ્હી-એનસીઆરમાં વાદળ છવાયેલા હતા એટલે ત્યાં ચાંદ જોવા મળ્યો નહોતો. ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત અનેક જગ્યાએ ચાંદ જોવા મળ્યો નહોતો. સામાન્ય રીતે ગુજરાતના કચ્છમાં ચાંદ જોવા મળતો હોય છે પરંતુ આ વખતે ત્યાં પણ રમઝાનનો ચાંદ જોવામાં આવ્યો હોવાના અહેવાલ નથી. તેથી પ્રથમ રોઝા 2 માર્ચ, રવિવારે રાખવામાં આવશે. ઈસ્લામમાં એક મહિનો 29 કે 30 દિવસનો હોય છે. મહિનાના દિવસોની સંખ્યા ચાંદ દેખાવા પર નિર્ભર કરે છે. શનિવારે ઈસ્લામી કેલેન્ડરના આઠમા મહિના શાબાનની 30મી તારીખ છે.
Also read: ઈસ્લામની મહાન હજયાત્રાની ભક્તિભાવભરી ઝાંખી
સાઉદી અરબમાં રમઝાનનો પ્રથમ રોઝા શનિવાર 1 માર્ચે રાખવામાં આવશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ રમઝાનનો ચાંદ જોવા મળ્યો નહોતો, તેથી ત્યાં 2 માર્ચથી રોઝા રાખવામાં આવશે. બ્રિટન, યુએઈ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ 1 માર્ચથી રોઝા રાખવામાં આવશે. રમઝાનનો ચાંદ જોવા મળ્યાના બીજા દિવસથી આ મહિનાનો આરંભ થાય છે અને 30 દિવસ સુધી મુસ્લિમો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ ખાતા-પીતા નથી. મોટાભાગનો સમય અલ્લાહની બદંગીમાં વિતાવે છે. ઉપરાંત મસ્જિદોમાં વિશેષ નમાઝ પઢે છે.