Budget 2025 : બજેટમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવી આ મોટી જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દેશનું પૂર્ણ બજેટ(Budget 2025)રજૂ કર્યું. જેમાં તેમણે અનેક નવા ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂક્યો છે. ત્યારે ભારત હવે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા અગ્રેસર છે. જેની માટે નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે 20 હજાર કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવ્યું છે.
એટોમિક એનર્જી એક્ટમાં સુધારા માટે સરકાર તૈયાર
બજેટમાં સરકારે આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ખાનગી કંપનીઓએ આમંત્રણ આપ્યું છે. જેમાં ખાનગી રોકાણકારોની સુવિધા માટે સરકાર એટોમિક એનર્જી એક્ટ અને સિવિલ લાઇબિલીટી ફોર ન્યુકિલયર ડેમેજ એક્ટમાં ફેરફાર કરવા માટે તૈયાર છે.
5 નાના પરમાણુ રિએક્ટર વિકસાવશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનો વિકાસ આપણા ઊર્જા સંક્રમણ પ્રયાસો માટે જરૂરી છે. નિર્મલા સીતારામને કહ્યું કે ભારત 8 વર્ષની અંદર એટલે કે વર્ષ 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 નાના પરમાણુ રિએક્ટર વિકસાવશે અને તેનું સંચાલન શરૂ કરશે.
નાણામંત્રીએ વધુમાં જાહેરાત કરી કે નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે. હાલમાં ભારતમાં 462 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આમાં પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર 8 ગીગાવોટ છે.
નાના મોડ્યુલર રિએક્ટર 300 મેગાવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકે છે
નાના મોડ્યુલર રિએક્ટર (SMR)એ નાના પાયે પરમાણુ રિએક્ટર છે જે ઘણી ઓછી ઉર્જા ઉત્પન્ન કરે છે અને પરંપરાગત પરમાણુ પાવર પ્લાન્ટ કરતા કદમાં નાના હોય છે.નાના મોડ્યુલર રિએક્ટર સામાન્ય રીતે 300 મેગાવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકે છે. જ્યારે મોટા પરંપરાગત રિએક્ટર 1000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
આપણ વાંચો: Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ
નાના મોડ્યુલર રિએક્ટર મુવેબલ છે
નાના મોડ્યુલર રિએક્ટરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે અને પછી તેના ભાગોને એસેમ્બલી માટે તે જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં વીજળી ઉત્પન્ન થવાની હોય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેને એક જ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકો છો અને ગમે ત્યાં લઈ જઈ શકો છો. આ બાંધકામનો સમય અને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.