ચંડીગઢમાં ભાજપની ગુગલી અને આપ, કૉંગ્રેસ ક્લિન બોલ્ડ, મેયર ચૂંટણી જીતી લીધી
ચંડીગઢમાં મેયરની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. ચંડીગઢમાં ભાજપના હરપ્રીત કોર બબલા ચંડીગઢના નવા મેયર બન્યા છે. તેમણે કૉંગ્રેસ અને આપના મેયર પદના ઉમેદવાર પ્રેમલતાને હરાવ્યા છે.
ભાજપના મેયરપદના ઉમેદવાર હરપ્રીત કોર બબલાને કુલ 19 મત મળ્યા છે અને કૉંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર પ્રેમલતાને 17 વોટ મળ્યા છે. વિચારીએ તો આમ માત્ર બે જ મતથી કૉંગ્રેસ અને આપ મેયરની ચૂંટણી હરી ગયા હોય એમ લાગે, પણ અહીં જ ભાજપની વ્યુહરચના કામ કરી ગઇ છે.
ચંડીગઢ નગરપાલિકાનું સંખ્યાબળઃ-
ચંડીગઢ નગરપાલિકાનું સંખ્યાબળ 35 છે. એમાં કાઉન્સિલરો સાથે ચંડીગઢના સાંસદ પણ મતદાન કરી શકે છે. આમ કુલ મળીને 36 મત થાય. જો કોઇ પણ મત રદ ના થયા હોય તો જીતવા માટે 19 મતની જરૂર રહે છે.
આપણ વાંચો: ચંડીગઢમાં મેયરની ચૂંટણીનો વિવાદ: સુપ્રીમે લાજ રાખી
હવે દરેક પક્ષના સંખ્યા બળની વાત કરીએ તો ભાજપ પાસે 16 કાઉન્સિલરો સાથે તે ચંડીગઢ નગરપાલિકામાં સૌથી મોટો પક્ષ છે. આમ આદમી પાર્ટીના 13 અને કૉંગ્રેસના 6 કાઉન્સિલર છે. આપ અને કૉંગ્રેસે સાથે મળીને આ ચૂંટણી લડ્યા હતા. એવામાં 19 વોટ સાથે તેમની જીત નિશ્ચિત મનાતી હતી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી હતી:-
ગયા વર્ષે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ઘણો વિવાદ થયો હતો. તેથી આ વખતે આ ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે કોર્ટે પણ કડકાઇ રાખી હતી અને હાઇકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશની નિરીક્ષક તરીકે નિમણૂક પણ કરી હતી.
આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે તેમના કાઉન્સિલરોને રિસોર્ટમાં રાખ્યા હતા. ગયા વર્ષની ગરબડને ધ્યાનમાં રાખીને ચૂંટણી દરમિયાન સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, આ I.N.D.I.A ગઠબંધનની જીત છે પણ…
આ ઉપરાંત કોઇ પણ મત રદ ના થાય કે ક્રોસ વોટિંગ ના થાયતે માટે તેઓ સતર્ક હતા. પંજાબ પોલીસ પણ આ પ્રક્રિયા પર અને આપના તમામ કાઉન્સિલરો પર નજર રાખી રહી હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ તેમના કાઉન્સિલરોના ટચમા હતા. તો પણ…..
બેલોટ પેપરથી મતદાન થયું હતુંઃ-
આ ચૂંટણીમાં બેલોટ પેપરથી ગુપ્ત રીતે મતદાન કરાવવામાં આવ્યું હતું. ઓછા સંખ્યા બળ અને ભારે નિરીક્ષણને કારણે ચૂંટણીમાં ભાજપની હાર નક્કી જ માનવામાં આવતી હતી, પણ ભાજપે બાજી પલટી નાખી હતી.
તમામ સાવચેતીઓ છતાં આ મતદાનમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ત્રણ કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભાજપે આ મેચ જીતી લીધી હતી. ગુપ્ત રીતે મતદાન કરાવવામાં આવ્યું હોવાથી કોણે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસને ઝટકો આપ્યો એ જાણવું મુશ્કેલ છે.
ચંડીગઢ મેયરપદની ચૂંટણી પછી એક જ ગીતની પંક્તિઓ યાદ આવે છે કે, ‘વો સિંકંદર હી દોસ્તો કહેલાતા હૈ, હારી બાજી કો જીતના જીસે આતા હૈ. ‘આજની આ ચૂંટણીમાં ભાજપ સિકંદર બનીને ઉભરી છે એમાં કોઇ શંકા નથી.