નેશનલ

પરાક્રમ દિવસે PM Modiએ દેશવાસીઓને વિકસિત ભારત માટે એક થવાની કરી અપીલ

નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. પરાક્રમ દિવસની ઉજવણી નેતાજીની 125મી જન્મજયંતિથી શરૂ થઈ હતી. આજે નેતાજીની 128મી જન્મજયંતિ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ દેશવાસીઓને વિકસિત ભારતના નિર્માણ માટે સૌને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે એ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ જેની કલ્પના નેતાજીએ કરી હતી.

નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આદર્શો અને ભારતની સ્વતંત્રતા પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ આપણને પ્રેરણા આપનારું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીરને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો અને સાંસદો હાજર રહ્યા હતા.

Also read: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ

‘કમ્ફર્ટ ઝોન’માંથી બહાર આવવા અપીલ
પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજીએ પોતાના ‘કમ્ફર્ટ ઝોન’માંથી બહાર નીકળીને દેશની સ્વતંત્રતા માટે લડવાનું પસંદ કર્યું. આગળ કહ્યું, તેઓ ક્યારેય પોતાના કમ્ફર્ટ ઝોનમાં ફસાયા નહીં. તેવી જ રીતે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. આપણે વૈશ્વિક સ્તરે પોતાને શ્રેષ્ઠ બનાવવું પડશે. આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

વિકસિત ભારત માટે આપણે એક રહેવું પડશે
તેમણે જણાવ્યું હતું કે નેતાજી સ્વરાજ માટે સંપૂર્ણપણે કેન્દ્રિત હતા અને અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકો એક બનીને ઉદ્દેશ્ય માટે એકજુટ થયા હતા. તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે આપણે એક રહેવું પડશે.
તેમણે કહ્યું ભારતની એકતા માટે નેતાજીના જીવન માંથી પ્રેરણા લેવી પડશે. તેમણે કહ્યું આપણે તેવા લોકોથી સાવધાન રહેવું પડશે કે તે ભારતને નબળા બનાવીને ભારતની એકતાને તોડવામાં માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button