1.18 કરોડના હીરા અને વિદેશી ચલણ સાથે મસ્કત જતા પ્રવાસીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મસ્કત જઈ રહેલા પ્રવાસીની ધરપકડ કરી કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) કથિત દાણચોરીથી લઈ જવાતા 1.18 કરોડ રૂપિયાના હીરા અને વિદેશી ચલણ જપ્ત કર્યું હતું. કમિશન પેટે મળનારાં નાણાંની લાલચે હીરા અને વિદેશી ચલણની દાણચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કર્ણાટકના ભટકલમાં રહેતા એ. આર. ખાતીબ (45) તરીકે થઈ હતી. દાણચોરીથી ડાયમંડ્સ વિદેશ લઈ જવાતા હોવાની માહિતીને આધારે એઆઈયુના અધિકારીઓએ મંગળવારના મળસકે પ્રવાસીઓ પર નજર રાખી હતી.
આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ વિસ્તારમાંથી સાડા બાર કિલો સોનું ઝડપાયું, દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ
કસ્ટમ્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મસ્કત જવા માટે ખાતીબ મળસકે 2.30 વાગ્યાની આસપાસ ઍરપોર્ટ પહોંચ્યો હતો. ખાતીબને દાણચોરીથી કોઈ વસ્તુ વિદેશ લઈ જતો હોવા સંદર્ભે પૂછવામાં આવ્યું હતું. ખાતીબે દાણચોરીનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેના જવાબ અધિકારીઓને સંતોષકારક જણાયા નહોતા.
આરોપીના સામાનની તપાસ કરતાં બૅકપેકમાંથી 13.32 લાખ રૂપિયાના મૂલ્યના 59,500 સઉદી અરેબિયન રિયાલ મળી આવ્યા હતા. તેની બૅગમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના હીરા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી અગાઉ પણ અનેક વખત વિમાની મુસાફરી કરી ચૂક્યો હોઈ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ખાતીબે કબૂલ્યું હતું કે રિયાલ અને હીરા મસ્કત પહોંચાડવા તેને કમિશન મળવાનું હતું. ભારતમાં કોણે તેને રિયાલ અને ડાયમંડ્સ આપ્યા તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.