BJP Vs Congress: રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે નડ્ડાએ આપ્યો જવાબ, ભારત સામે લડે છે…
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિરના નિવેદન પર કરવામાં તીખી ટિપ્પણી પર ભાજપ નેતાઓએ પણ આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. ભાજપના જે. પી. નડ્ડાએ રાહુલ ગાંઘી પર પ્રહાર કરતા કહ્યું હતું કે લોકો રાહુલ ગાંધીના આવા વિચારોને નકારી કાઢશે. કૉંગ્રેસ હંમેશાં દેશના દુશ્મનો અને દેશને નબળા કરતા લોકો સાથે જ રહી છે.
ભાજપના અમિત માલવિયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તો હવે ભારત સામે સીધો જંગ જ જાહેર કરી દીધો છે. તેઓ જ્યોર્જ સોરોસ સાથે મળેલા છે. આ પહેલા રાહુલ ગાંધીએ આરએસએસ પ્રમુખ પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોહન ભાગવતે બંધારણનું અપમાન કર્યું છે.
શું છે આખું પ્રકરણ?
હકીકતમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે ભારતને સાચી આઝાદી મળી છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિનને પ્રતિષ્ઠા દ્વાદ્શીના રૂપમાં મનાવવી જોઇએ, કારણ કે કેટલીય સદીઓ સુધી વિદેશી આક્રમણોનો સામનો કર્યા બાદ ભારતને એ દિવસે સાચી સ્વતંત્રતા મળી હતી.
રાહુલ ગાંધીએ દિલ્હીમાં કૉંગ્રેસના નવા મુખ્યાલયના ઉદ્ઘાટનના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આપણને આજે વિશેષ દિવસે નવું મુખ્યાલય મળ્યું છે. આ ઘણું પ્રતિકાત્મક છે કારણ કે ગઇ કાલે જ આરએસએસ પ્રમુખે જણાવ્યું હતું કે ભારતને 1947માં આઝાદી નહોતી મળી ભારતને સાચી આઝાદી ત્યારે મળી જ્યારે દેશમાં રામ મંદિરનું નિર્માણ થયું. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મોહન ભાગવતે એમ જણાવ્યું હતું કે બંધારણ આપણી સંવતંત્રતાનું પ્રતિક નથી.
આ પણ વાંચો : Delhi Election : કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા જાહેર કરી યુવા ઉડાન યોજના, જાણો વિગતે…
મોહન ભાગવત દર બેચાર દિવસે સ્વતંત્રતા આંદોલન અને દેશના બંધારણ અંગે તેમના વિચારો રજૂ કરે છે. તેઓ ગઇ કાલે જે બોલ્યા તે દેશદ્રોહ છે. તેઓ સંવિધાનને માનતા નથી. તેઓ અંગ્રેજો સામેના આંદોલનને ખોટું ગણાવે છે. તેમનામાં જાહેરમાં આવું કહેવાની હિંમત છે. અન્ય કોઇ દેશમાં તેઓ આવું બોલ્યા હોત તે તેમની ધરપકડ કરવામાં આવી હોત અને તેમના પર કેસ થયો હોત. ભાગવતનું એમ કહેવું કે દેશને 1947માં આઝાદી નહોતી મળી તે દરેક ભારતીયનું અપમાન છે. હવે આપણે એમનો બકવાસ સાંભળવો બંધ કરવો જોઇએ.
સંજય રાઉતે પણ મોહન ભાગવતના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આરએસએસના પ્રમુખ સન્માનીય વ્યક્તિ છે, પણ તેઓ કંઇ બંધારણના ઘડવૈયા નથી. ભગવાન રામના નામનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે થવો જોઈએ નહીં. રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ માટે ગૌરવની વાત હતી. મંદિર નિર્માણમાં બધાએ યોગદાન આપ્યું હતું પણ દેશ હમણા આઝાદ થયો હોવાનો દાવો કરવો ખોટો છે.