નેશનલ

Christmas Gift: નેધરલેન્ડથી દાર્જિલિંગના ઝૂ માટે લાવવામાં આવ્યા 2 લાલ પાંડા

કોલકાતાઃ નાતાલના તહેવાર પર નેધરલેન્ડના રોટરડેમથી બે લાલ પાંડા દાર્જિલિંગના ઝૂમાં લાવવામાં આવ્યા હતા જેનાથી પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ અને પશ્ચિમ બંગાળના વન વિભાગના કર્મચારીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છે. પશ્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ સૌરભ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં વિદેશથી લાલ પાંડા લાવવામાં આવ્યા નહોતા.

તેમણે કહ્યું હતું કે આ પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુઓ માટે પદ્મજા નાયડૂ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક (પીએમઝેડપી) ખાતે લાવવામાં આવ્યા છે. આ પ્રાણી સંગ્રહાલયને દાર્જિલિંગ પ્રાણીસંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે બંને લાલ પાંડા અઢી વર્ષના છે. પ્રાણી સંગ્રહાલયમાં આનુવંશિક વિવિધતા લાવવા માટે લાલ પાંડાને લાવવામાં આવ્યા છે અને અહીંનું વાતાવરણ રોટરડેમ ઝૂમાં તેમના અગાઉના રહેઠાણ જેવું જ છે. આ અમારા માટે ખુશી અને ગર્વની ક્ષણ છે.

આ પણ વાંચો ; ક્લોઝ અપ: ‘ટનન …ટન’ના રૂપાની ઘંટડી જેવા રણકાર સાથે સરકતી કોલકાતાની ૧૫૧ વર્ષ જૂની ટ્રામ વિદાય લઈ રહી છે…

તેમણે કહ્યું હતું કે ઘણા વર્ષોના પ્રયત્નો, સત્તાવાર પ્રક્રિયા અને કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી પછી આખરે આ બે સુંદર પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા હતા. દસ વર્ષ પછી લાલ પાંડા વિદેશથી લાવવામાં આવ્યા છે, જો કે પ્રાણી સંગ્રહાલયમાં પહેલેથી જ લાલ પાંડા છે. લાલ પાંડા એ પૂર્વીય હિમાલય અને દક્ષિણપશ્ચિમ ચીનમાં રહેતું સસ્તન પ્રાણી છે.

બંને લાલ પાંડાને 27 કલાકની ઉડાન બાદ બુધવારે વહેલી સવારે કોલકાતા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. બંને પાંડાની પ્રાણીઓના ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે બંને પ્રાણીઓની તબિયત સારી છે. અમે બે લાલ પાંડાના નામ વિશાલ અને કોસી રાખ્યા છે અને તમે તેમને રોટરડેમ તરફથી ક્રિસમસ ગિફ્ટ કહી શકો છો. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં 19 લાલ પાંડા છે. જેમાંથી સાત નર, 12 માદા અને બે બચ્ચા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button